ભારતમાં લોકસભાની ચૂંટણીઓ અગાઉ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની EDએ ધરપકડ કરતા તેની વૈશ્વિક મીડિયા કવરેજ થતાં તેના પ્રત્યાઘાતો હવે વિદેશ સુધી પડ્યા છે અને લઈને અમેરિકાની ટિપ્પણી સામે આવી છે,યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે કહ્યું હતું કે તે કેજરીવાલની ધરપકડ સંબંધિત રિપોર્ટ પર ચાંપતી નજર રાખી રહ્યું છે,તે ન્યાયી કાનૂની પ્રક્રિયાને પ્રોત્સાહન આપે છે.
અમેરિકાની આ ટિપ્પણી સામે ભારતે નારાજગી વ્યક્ત કરી છે અને આજે બુધવારે દિલ્હીમાં વિદેશ મંત્રાલયે અમેરિકાના કાર્યકારી મિશનના ડેપ્યુટી ચીફ ગ્લોરિયા બાર્બેનાને સમન્સ પાઠવ્યું હતું.
આ બેઠક લગભગ 40 મિનિટ સુધી ચાલી હતી.
અમેરિકાએ ભારતના આંતરિક મામલામાં હસ્તક્ષેપ કરવાનો પ્રયાસ કર્યો હોવાનું ભારતે કહ્યું છે.
વિદેશ મંત્રાલયે કહ્યું કે અમે ભારતમાં કેટલીક કાનૂની કાર્યવાહી અંગે અમેરિકી વિદેશ મંત્રાલયના પ્રવક્તાની ટિપ્પણી સામે સખત વાંધો ઉઠાવીએ છીએ. મુત્સદ્દીગીરીમાં રાજ્યો પાસેથી અન્યની સાર્વભૌમત્વ અને આંતરિક બાબતોનું સન્માન કરવાની અપેક્ષા રાખવામાં આવે છે. જ્યારે તમારા સાથી દેશમાં પણ લોકશાહી હોય ત્યારે આ જવાબદારી વધુ વધી જાય છે. આવી સ્થિતિમાં આવી ટિપ્પણીઓ ખોટું ઉદાહરણ બેસાડે છે. ભારતની કાનૂની પ્રક્રિયાઓ સ્વતંત્ર ન્યાયતંત્ર પર આધારિત છે, જે ઉદ્દેશ્ય અને સમયસર પરિણામો માટે પ્રતિબદ્ધ છે. તેમની સામે આંગળી ચીંધવી એ બિલકુલ ખોટું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલા જર્મનીએ અરવિંદ કેજરીવાલની ધરપકડને લઈને નિવેદન આપ્યું હતું. આ મામલે ભારતીય વિદેશ મંત્રાલયે જર્મન એમ્બેસીના ડેપ્યુટી ચીફ જ્યોર્જ એન્ઝવેઈલરને સમન્સ પાઠવ્યું હતું. ભારતે તેને દેશની આંતરિક ઘટના ગણાવી હતી અને જર્મન પક્ષની ટિપ્પણી પર સખત વિરોધ વ્યક્ત કર્યો હતો.
ત્યારબાદ હવે CM કક્ષાના નેતાની ધરપકડ મામલે અમેરિકાની પ્રતિક્રિયા આવતા હવે આ મુદ્દો વૈશ્વિક રૂપ ધારણ કરી રહ્યો છે.