કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે મંગળવારે કહ્યું કે કેન્દ્ર સરકાર જમ્મુ અને કાશ્મીરમાંથી આર્મ્ડ ફોર્સિસ (સ્પેશિયલ પાવર્સ) એક્ટ (AFSPA)ને પાછો ખેંચવા પર વિચાર કરશે.

શાહે જેકે મીડિયા ગ્રૂપ સાથેની એક મુલાકાતમાં એમ પણ કહ્યું હતું કે સરકાર કેન્દ્રશાસિત પ્રદેશમાં સૈનિકોને પાછી ખેંચી લેવાની અને કાયદો અને વ્યવસ્થા જમ્મુ અને કાશ્મીર પોલીસ પર છોડી દેવાની યોજના ધરાવે છે.

તેમણે કહ્યું, “અમારી યોજના સૈનિકોને પાછી ખેંચવાની અને કાયદો અને વ્યવસ્થા જમ્મુ અને કાશ્મીર પોલીસને સોંપવાની છે.
પહેલા જમ્મુ-કાશ્મીર પોલીસ પર લોકોને ભરોસો ન હતો, પરંતુ આજે પોલીસ અભિયાનનું નેતૃત્વ કરી રહયા છે.
શાહે અગાઉ કહ્યું હતું કે પૂર્વોત્તર રાજ્યોના 70 ટકા વિસ્તારોમાંથી AFSPA હટાવી દેવામાં આવ્યું છે, જોકે તે જમ્મુ અને કાશ્મીરમાં લાગુ છે.

AFSPA શુ છે અને તેનો પાવર કેટલો હોય છે?

AFSPA સુરક્ષા દળોને અમર્યાદિત સત્તા આપે છે પરિણામે સુરક્ષા દળો કોઈની પણ વોરંટ વગર ધરપકડ કરી શકે છે, બળનો ઉપયોગ કરી શકે છે અથવા તો કોઈને ગોળી પણ મારી શકે છે. જોકે બળનો ઉપયોગ કરતા પહેલા અને ગોળીબાર કરતા પહેલા ચેતવણી આપવી જરૂરી હોય છે. સુરક્ષા દળો ઈચ્છે તો તેઓ કોઈપણને રોકીને તલાશી લઈ શકે છે. આ કાયદા હેઠળ સુરક્ષા દળોને કોઈના પણ ઘર કે પરિસરમાં તલાશી લેવાનો અધિકાર મળે છે.
જો સુરક્ષા દળોને લાગે છે કે, આતંકવાદીઓ અથવા તોફાનીઓ કોઈ મકાન કે ઈમારતમાં છુપાયેલા છે તો તેઓ તેને પણ તોડી શકે છે. આ કાયદામાં સૌથી મોટી વાત એ છે કે જ્યાં સુધી કેન્દ્ર સરકાર મંજૂરી ન આપે ત્યાં સુધી સુરક્ષા દળો સામે કોઈ કેસ કે કાયદાકીય કાર્યવાહી થઈ શકતી નથી.

જમ્મુ-કાશ્મીર અને પૂર્વોત્તર રાજ્યોના વિવિધ સંગઠનો અને વ્યક્તિઓએ AFSPA હટાવવાની માંગ કરી છે.

ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલા આદેશ પ્રમાણે કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી 30 સપ્ટેમ્બર પહેલા પૂર્ણ થઈ જશે. તેમણે ઉમેર્યું કે જમ્મુ-કાશ્મીરમાં સંપૂર્ણ લોકશાહી પુનઃસ્થાપિત કરવી એ PM મોદી દ્વારા સંસદમાં આપવામાં આવેલ વચન છે.
શાહે કહ્યું કે, કલમ 370નો હેતુ જમ્મુ અને કાશ્મીરમાં ભાજપને રાજકીય રીતે તરત જ મજબૂત કરવાનો ન હતો. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, અમે ધીરજપૂર્વક જમ્મુ-કાશ્મીરના લોકોમાં અમારું સ્થાન બનાવીશું અને ત્યાં અમારું સંગઠન બનાવીશું. તેમણે કહ્યું કે, અમારો ઉદ્દેશ એ સુનિશ્ચિત કરવાનો છે કે, લોકો તેમના પ્રતિનિધિઓને ચૂંટે અને ત્રણ પક્ષો સુધી મર્યાદિત વંશવાદી શાસનને ત્યાંથી દૂર કરે.
કેન્દ્રીય ગૃહમંત્રીએ એમ પણ કહ્યું કે, પાકિસ્તાનની ભાષા બોલતા તમામ લોકોને આ ચૂંટણીમાં જડબાતોડ જવાબ આપવામાં આવશે.