લોકસભાની ચૂંટણીઓ પહેલા અનેક નેતાઓ ભાજપમાં જોડાઈ રહયા છે ત્યારે આ બધા વચ્ચે વાયુસેનાના પૂર્વ પ્રમુખ રાકેશ કુમાર સિંહ ભદૌરિયા અને વરિષ્ઠ YSR નેતા વી પ્રસાદ રાવ પણ ભાજપમાં જોડાયા છે.
આર.કેએસ ભદૌરિયા સપ્ટેમ્બર 2021માં સેવામાંથી નિવૃત્ત થયા હતા.
આ તકે ભાજપના મહાસચિવ વિનોદ તાવડે અને કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર દ્વારા દિલ્હીમાં રાકેશ કુમાર અને વી પ્રસાદ રાવને પાર્ટીની સદસ્યતા આપવા સાથે બંને નેતાઓનું સ્વાગત કર્યું હતું.
આ અવસરે અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે આરકે ભદૌરિયા અને વી પ્રસાદ રાવનું ભાજપમાં સ્વાગત કરીએ છીએ.
તેમણે ઉમેર્યું કે પૂર્વ એર ચીફ માર્શલ આરકે ભદૌરિયા આત્મનિર્ભર ભારતના અભિયાનમાં ખૂબજ મોટો ફાળો રહ્યો છે અને હવે તેઓ દુનિયાની સૌથી મોટી પાર્ટી ભાજપમાં પોતાનું યોગદાન આપશે.
બીજી તરફ ભાજપમાં જોડાયા બાદ પૂર્વ એરફોર્સ ચીફ રાકેશ કુમાર સિંહ ભદૌરિયાએ પોતાની પ્રતિક્રિયામાં જણાવ્યું કે તેઓ વિકસિત ભારત માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંકલ્પને પૂર્ણ કરશે. તેમણે કહ્યું કે ભારતીય સેનાને મજબૂત અને આધુનિક બનાવવાના કામથી ઘણી આત્મનિર્ભરતા આવશે.વધુમાં રાકેશ કુમાર સિંહ ભદૌરિયાએ કહ્યું કે તેમણે ભારતીય વાયુસેનામાં 40 વર્ષથી કામ કર્યું છે.
આ તકે પૂર્વ વાયુસેના પ્રમુખે પીએમ મોદી અને બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાનો પણ આભાર માન્યો હતો.
આમ,તેઓએ ભાજપમાં જોડાઈને વિકસિત ભારત માટે પોતાનું યોગદાન આપવાની પ્રતિબધ્ધતા વ્યક્ત કરી હતી.
●કોણ છે આરકેએસ ભદોરિયા?
ACM રાકેશ કુમાર સિંહ ભદૌરિયા મૂળ ઉત્તર પ્રદેશના છે.
ભારતને મજબૂત કરવા માટે 36 રાફેલ વિમાનની ખરીદી માટે રચાયેલી ટીમનો તે મહત્વનો ભાગ હતા.
રાકેશ કુમાર સિંહ ભદૌરિયા ભારતીય વાયુસેનાના શ્રેષ્ઠ પાઇલટ્સમાંથી એક છે.
અત્યાર સુધીમાં તે રાફેલ સહિત 28 થી વધુ પ્રકારના ફાઇટર અને ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ ઉડાવી ચૂક્યા છે.
પ્રાયોગિક પરીક્ષણ પાયલોટ હોવા ઉપરાંત, એર માર્શલ ભદૌરિયા CAT ‘A’ શ્રેણીના ક્વોલિફાઈડ ફ્લાઈંગ ઈન્સ્ટ્રક્ટર અને પાઈલટ એટેક ઈન્સ્ટ્રક્ટર પણ છે.
તેમની કાર્યક્ષમ ઓપરેશનલ ક્ષમતાને કારણે, તેમને વર્ષ 2002માં વાયુ સેના મેડલ, વર્ષ 2013માં અતિ વિશેષ સેવા મેડલ અને વર્ષ 2018માં પરમ વિશિષ્ટ સેવા મેડલ એનાયત કરવામાં આવ્યા હતા.
આરકેએસ ભદૌરિયા ભારતીય વાયુસેનાના જગુઆર સ્ક્વોડ્રન અને દક્ષિણ પશ્ચિમ સરહદ પર સ્થિત એક મુખ્ય એરફોર્સ સ્ટેશનના વડા પણ રહી ચૂક્યા છે.
એર માર્શલ ભદૌરિયા એરક્રાફ્ટ અને સિસ્ટમ્સ ટેસ્ટિંગ એસ્ટાબ્લિશમેન્ટમાં ફ્લાઇટ ટેસ્ટ સ્ક્વોડ્રનના કમાન્ડિંગ ઓફિસર પણ રહી ચૂક્યા છે.
આ જ સંસ્થાએ ભારતના પ્રથમ સ્વદેશી ફાઇટર એરક્રાફ્ટ, એલસીએ તેજની પ્રાથમિક ઉડાનનું સંચાલન કર્યું હતું.