દુર્ઘટનામાં કુલ 13 લોકોના મૃત્યુ , રાવતના પત્નીનું પણ આ દુર્ઘટનામાં નિધન

સંરક્ષણ દળોના વડા જનરલ બિપીન રાવત અને તેમના પત્ની મધુલિકા રાવતના અંતિમ સંસ્કાર આવતીકાલે દિલ્હી લશ્કરી છાવણી ખાતે કરાશે. તેમના પાર્થિવ દેહ આજે સાંજે દિલ્હી પહોંચે તેવી સંભાવના છે. આજે વેલિંગ્ટનના મદ્રાસ રેજિમેન્ટલ સેન્ટર ખાતે તેમની શ્રદ્ધાંજલિ સભા યોજાશે, બાદમાં તેમના પાર્થિવ દેહોને દિલ્હી લવાશે. આવતીકાલે સવારે તેમના પાર્થિવ દેહને તેમના નિવાસ સ્થાને લવાશે જ્યાં સવારે 11થી 2 દરમિયાન લોકો તેમના શ્રદ્ધાંજલિ અર્પણ કરી શકશે.

જનરલ બિપીન રાવત, તેમની પત્ની તથા અન્ય 11 જણાના ગઈકાલે હેલિકોપ્ટર અકસ્માતમાં મોત નિપજ્યાં છે. ભારતીય હવાઈદળના MI – 17 – V–5 હેલિકોપ્ટર સુબુર એરબેઝ પર જઈ રહ્યું હતું, ત્યારે તામિનલાડુના નીલગિરી જિલ્લાના કુન્નુર નજીક જંગલમાં તૂટી પડ્યું હતું. ભારતીય હવાઈ દળે આ દુર્ઘટનામાં તપાસના આદેશ આપ્યા છે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ આજે સંસદના બંને ગૃહોમાં હેલિકોપ્ટર દુર્ઘટના અંગે નિવેદન આપે તેવી શક્યતા છે. 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ ઘટના બાદ સંરક્ષણ સંબંધી સમિતિની બેઠક બોલાવી હતી. રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી, સંરક્ષણ મંત્રી, ગૃહમંત્રી તથા અન્ય નેતાઓએ જરલ રાવતના નિધન પર શોક વ્યક્ત કરી તેમને શ્રદ્ધાંજલિ પાઠવી છે.