સ્વિસ જૂથ IQ Air એ વિશ્વના સૌથી પ્રદૂષિત શહેરો અને દેશની રાજધાનીઓની યાદી બહાર પાડી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે ભારતની રાજધાની દિલ્હી ફરી એકવાર વિશ્વની સૌથી પ્રદૂષિત રાજધાની બની ગઈ છે.

પીટીઆઈ દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી અનુસાર બિહારનું બેગુસરાય વિશ્વના સૌથી પ્રદૂષિત શહેરોની યાદીમાં છે જયારે વિશ્વમાં ભારતની રાજધાની દિલ્હી સૌથી ખરાબ હવાની ગુણવત્તા ધરાવતી હોવાનું નોંધાયું છે.
સ્વિસ ગ્રુપ IQ Airએ આ ડેટા જાહેર કર્યો છે.
સ્વિસ જૂથ IQ Air અનુસાર, 54.4 માઇક્રોગ્રામ પ્રતિ ઘન મીટરની સરેરાશ વાર્ષિક PM 2.5 સાંદ્રતા સાથે, ભારત 2023 માં 134 દેશોમાં બાંગ્લાદેશ અને પાકિસ્તાન પછી ત્રીજા ક્રમે સૌથી ખરાબ હવાની ગુણવત્તા ધરાવતું હતું. સ્વિસ સંસ્થા IQ Air દ્વારા 2023 નો અહેવાલ જણાવે છે કે બાંગ્લાદેશમાં 79.9 માઇક્રોગ્રામ પ્રતિ ઘન મીટર અને પાકિસ્તાનમાં 73.7 માઇક્રોગ્રામ પ્રતિ ઘન મીટરની નબળી હવાની ગુણવત્તા હતી.

બીજી તરફ, વર્ષ 2022માં, ભારત 53.3 માઇક્રોગ્રામ પ્રતિ ઘન મીટરની સરેરાશ PM 2.5 સાંદ્રતા સાથે આઠમા સૌથી પ્રદૂષિત દેશ તરીકે સ્થાન પામ્યું હતું.
દિલ્હી 2018 થી સતત વિશ્વની સૌથી પ્રદૂષિત રાજધાની રહી છે.

રિપોર્ટમાં જણાવાયું છે કે ભારતમાં 1.36 અબજ લોકો પીએમ 2.5ના સંપર્કમાં આવ્યા હતા. 2022ના વર્લ્ડ એર ક્વોલિટી રિપોર્ટમાં 131 દેશો અને પ્રદેશોના 7,323 સ્થળોનો ડેટા સામેલ છે. 2023 માં, 134 દેશો અને પ્રદેશોમાં 7,812 સ્થાનોના ડેટાનો સમાવેશ કરવા માટે આ સંખ્યામાં વધારો થશે.

વિશ્વમાં દર નવમાંથી એક મૃત્યુ પ્રદૂષણને કારણે થાય છે. જે માનવ સ્વાસ્થ્ય માટે સૌથી મોટો પર્યાવરણીય ખતરો બની રહ્યો છે. WHO ના અહેવાલો અનુસાર, વાયુ પ્રદૂષણ વિશ્વભરમાં દર વર્ષે અંદાજિત 70 લાખ અકાળ મૃત્યુ માટે જવાબદાર છે. પીએમ 2.5ના સંપર્કમાં આવવાથી ઘણી બીમારીઓ થાય છે.
જેમાં અસ્થમા, કેન્સર, સ્ટ્રોક અને ફેફસાના રોગનો સમાવેશ થાય છે.
આરોગ્ય નિષ્ણાતોના મતે, PM 2.5 એ પ્રદૂષક કણોની શ્રેણીનો ઉલ્લેખ કરે છે જેનું કદ લગભગ 2.5 માઇક્રોન છે. તેનું સ્તર મુખ્યત્વે જંગલની આગ, પાવર પ્લાન્ટ અને ઔદ્યોગિક પ્રક્રિયાઓને કારણે વધે છે. PM 2.5 વધવાને કારણે ધુમ્મસ અને નબળી વિઝિબિલિટી સાથે ઘણી ગંભીર બીમારીઓનું જોખમ પણ વધી જાય છે. આ કણો શ્વાસ દ્વારા સરળતાથી શરીરમાં પ્રવેશી શકે છે અને ગળામાં દુખાવો, બળતરા અને ફેફસાંને ગંભીર નુકસાન પહોંચાડે છે.

2010ના એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે PM 2.5ના થોડા કલાકોથી અઠવાડિયા સુધી સંપર્કમાં રહેવાથી હૃદય અને ફેફસાના રોગથી મૃત્યુદર વધી શકે છે. સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC) અનુસાર, વૃદ્ધો અને શિશુઓ પર તેની વધુ ગંભીર અસર પડે છે. પીએમ 2.5ના સંપર્કમાં આવવાથી આંખમાં બળતરા અને શ્વાસ લેવામાં તકલીફ થવી સામાન્ય છે.

આરોગ્ય નિષ્ણાતોના મતે, પીએમ 2.5 ના વધેલા સ્તરના સંપર્કમાં આવવાથી આંખો, નાક, ગળા, ફેફસા અને હૃદયને ગંભીર જોખમ થઈ શકે છે. આંખમાં બળતરા, આંખોમાં પાણી આવવું, શ્વાસ લેવામાં તકલીફ, ઉધરસ અને ત્વચા સંબંધિત સમસ્યાઓનું જોખમ સૌથી વધુ છે. PM 2.5 થી સુરક્ષિત રહેવા માટે, દરેક વ્યક્તિએ બહાર જતી વખતે સારો અને ચુસ્ત માસ્ક અને ગોગલ્સ પહેરવા જોઈએ.

સમયાંતરે તમારા ચહેરાને પાણીથી સારી રીતે ધોઈ લેવા સલાહ અપાઈ છે.
આમ,વિશ્વમાં ભારતની રાજધાની દિલ્હી પ્રદુષણ મામલે સૌથી આગળ રહ્યું છે.