અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણી માટે ટ્રમ્પની ઉમેદવારી નક્કી થતાંજ ભારતીય સમુદાયમાં ચિંતા પ્રસરી છે.
ચૂંટણી દરમિયાન હવે અમેરિકાના વર્તમાન રાષ્ટ્રપતિ જો બિડેન અને પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે જંગ રહેશે.
આ બધા વચ્ચે જો બિડેન ચૂંટણી જીતી જાય તો ભારત કે ભારતીયોને કોઈ ચિંતા રહેશે નહીં પરંતુ જો ટ્રમ્પ ચૂંટણી જીતશે તો ભારત અને ભારતીયોને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.
અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ઉમેદવારી હવે સત્તાવાર બની ગઈ છે. કારણકે ટ્રમ્પને વોશિંગ્ટન સ્ટેટમાં પોતાની જીત સાથે રિપબ્લિકન પાર્ટીના 1215 પ્રતિનિધિઓનું સમર્થન મળ્યું છે.
બીજી તરફ, બિડેને જરૂરી 1968 પ્રતિનિધિઓ સામે ડેમોક્રેટિક પાર્ટીના 3933 પ્રતિનિધિઓનું સમર્થન મેળવ્યું છે પરિણામે આ બન્ને વચ્ચે મુખ્ય જંગ છે.
આ બધાની વચ્ચે હવે ભારત અને ભારતીયો માટે ચિંતાનો વિષય એ છે કે જો ટ્રમ્પ જીતશે તો ત્યાં રહેતા લગભગ 11 લાખ ભારતીયો માટે ગ્રીન કાર્ડ મેળવવું મુશ્કેલ થઈ જશે. ઉપરાંત, ભારતને ત્યાં વેપાર કરતી વખતે કેટલાક ટેરિફ અથવા ટેક્સનો સામનો કરવો પડી શકે છે.
ટ્રમ્પની વાપસી અમેરિકામાં રહેતા ભારતીયો કે જેઓ અમેરિકામાં રહેવાનો ઇરાદો ધરાવે છે તેમના માટે સારું નથી.
વાસ્તવમાં આ વખતે ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીના કટ્ટરપંથી જૂથે પ્રોજેક્ટ 2025ના નામે બ્લુ પ્રિન્ટ તૈયાર કરી છે,જેમાં લીગલ ઈમિગ્રન્ટ્સને વિઝા અને ગ્રીન કાર્ડ આપવાના માર્ગમાં ઘણી કડક શરતોનો પ્રસ્તાવ મુક્યો છે.
ડોનાલ્ડ ટ્રમ્પના રાજકીય સલાહકાર સ્ટીફન મિલર અને હેરિટેજ ફાઉન્ડેશન દ્વારા તૈયાર કરાયેલા પ્રસ્તાવોમાં ઈમિગ્રેશનને નકારવાનો નિર્ણય લેવો સરળ રહેશે,તેને લાગુ કરવા માટે સંસદની મંજૂરી જરૂરી રહેશે નહીં. એવી આશંકા છે કે આનાથી અમેરિકામાં ગ્રીન કાર્ડ મેળવવા માટે રાહ જોઈ રહેલા લગભગ 11 લાખ ભારતીયોને અસર થશે.
હાલમાં,વિશ્વભરના નાગરિકો અમેરિકામાં સ્થળાંતર કરી રહ્યા છે અને હાલમાં ગ્રીન કાર્ડની રાહ જોઈ રહ્યા છે,હાલમાં ગ્રીન કાર્ડ ઇચ્છુકોની વેઇટિંગ લિસ્ટ લાંબી છે,તેમાંથી મોટાભાગના ભારતીયો છે.
જો ટ્રમ્પ જીતશે તો તેમને ગ્રીનકાર્ડ મળવું મુશ્કેલ બનશે.
જોકે,અમેરિકી રાષ્ટ્રપતિ બિડેને છેલ્લા એક વર્ષમાં રેકોર્ડ 10 લાખ વિઝા ભારતીયોને આપ્યા છે,આમાંના મોટાભાગના વિઝા વિદ્યાર્થીઓને આપવામાં આવ્યા છે,આ પછી પ્રોફેશનલ્સનો નંબર આવે છે. બીડેનની ડેમોક્રેટિક પાર્ટી કાનૂની ઈમિગ્રેશન પર સરળ શરતો લાદવાના પક્ષમાં છે.
ટ્રમ્પ વારંવાર ભારતમાં કેટલાક અમેરિકન ઉત્પાદનો પર લાગેલા ઊંચા ટેક્સ દરનો મુદ્દો ઉઠાવે છે.
ગયા વર્ષે, તેણે એકવાર કહ્યું હતું કે જો તે 2024 માં રાષ્ટ્રપતિની ચૂંટણી જીતી જશે, તો તે ભારતીય વસ્તુઓ પર ભારે ટેક્સ લાદીને બદલો લેશે.
ઉલ્લેખનીય છે કે ટ્રમ્પે પોતાના પ્રથમ કાર્યકાળમાં ભારતને ‘ટેરિફ કિંગ’ ગણાવ્યું હતું અને ભારત પર સારું વર્તન ન કરવાનો આરોપ લગાવ્યો હતો અને તેને ‘જનરલાઇઝ્ડ સિસ્ટમ ઑફ પ્રેફરન્સ’ એટલે કે GSPમાંથી પણ બાકાત રાખ્યું હતું, જે અમેરિકન માર્કેટમાં પ્રેફરન્શિયલ ટ્રીટમેન્ટ આપે છે.
પૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિએ એકવાર એક પત્રકારને ઈન્ટરવ્યુ આપતાં કહ્યું હતું કે તેઓ એક વસ્તુ ઇચ્છે છે તે સમાન ટેક્સ છે.
જો ભારત અમેરિકન ચીજવસ્તુઓ પર વધુ ટેક્સ લાદશે તો અહીં પણ એવું જ થશે,તેમણે કહ્યું હતું કે, “મેં આ હાર્લી ડેવિડસન (બાઈક)ના કિસ્સામાં જોયું છે.
હું કહેતો હતો કે તમે ભારત જેવી જગ્યાએ કેવી રીતે કામ કરો છો? તેઓએ કહ્યું, સારું નથી સર. મેં પૂછ્યું કેમ? તેઓએ કહ્યું કે ત્યાં (ભારતમાં) ) ટેરિફ 100 ટકા, 150 ટકા અને 200 ટકા સુધી છે.”