આરોપીને પોલીસે ધરપકડ કરી ફેરફિલ્ડ કોર્ટમાં રજૂ કર્યો, ધરપકડ કરાયેલા આરોપી પાસેથી $950,000 રોકડ પણ મળી આવી
સિડનીના પશ્ચિમમાં એક વ્યક્તિની હત્યા કરનાર કથિત હિટ-એન્ડ-રનનો શંકાસ્પદ દલીલ કરી છે કે તે જાણતો ન હતો કે તેણે 31-વર્ષની ઉંમરની ઉપર કાર ચઢીવી દીધી છે. પોલીસને બુધવારના રોજ સવારે 3 વાગ્યે માઉન્ટ પ્રિચર્ડમાં પ્રિચર્ડ સ્ટ્રીટ અને હેમફિલ એવ ઈન્ટરસેક્શન પર બોલાવવામાં આવી હતી જ્યારે એક વ્યક્તિ ગંભીર ઈજાગ્રસ્ત હોવાના અહેવાલો મળ્યા હતા. ઘટનાસ્થળે જોયું ત્યારે હિટ એન્ડ રનની ઘટના પોલીસ સમક્ષ આવી હતી. જેમાં 55 વર્ષીય વ્યક્તિ જ્હોન ઉંગ નામના વ્યક્તિએ મોડી રાત્રે 31 વર્ષીય ભારતીય મૂળના વ્યક્તિ હરપ્રીત ચાંડલા પર ગાડી ચઢાવી દીધી હતી. હાલ સ્થાનિક મીડિયા રિપોર્ટમાં અહેવાલો છે કે હરપ્રીત કથિત રીતે નશા હેઠળ હતો અને રોડ પર જ બેભાન થઇ ગયો હતો ત્યારે ઉંગ દ્વારા ગાડી ચઢાવી દેવામાં આવી હતી.
પોલીસનો આરોપ છે કે ઉંગ બુધવારે સવારે 3 વાગ્યાના થોડા સમય પહેલા જ તેની બ્લેક લેક્સસ દ્વારા ચાંડલા પર ચઢાવી હતી અને માઉન્ટ પ્રિચાર્ડમાં પ્રિચર્ડ સ્ટ્રીટ અને હેમ્ફિલ એવન્યુના ઇન્ટરસેક્શન પર રોકાયો પણ ન હતો. પોલીસે જ્યારે તેના ઘરની તપાસ કરી ત્યારે તેના ફ્રીઝરમાં ડફલ બેગ મળી આવી હતી જેમાં લગભગ $950,000 રોકડ પણ મળી હતી. પોલીસે આ રકમ ગુનાની આવક હોવાનો પણ ઉંગ પર આક્ષેપ કર્યો છે.
નોંધનીય છે કે ઘટનાના એક કલાક પછી, પસાર થતા મોટરચાલકને કથિત રીતે રસ્તા પર ચાંડલાનો દેહ માથા અને ધડના ભાગે ગંભીર ઇજાઓ સાથે મળ્યો હતો. જ્યાં તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું. આ તરફ ઉંગને પોલીસે કોર્ટમાં રજૂ કર્યો છે જ્યાં તેણે પોતાનો બચાવ કર્યો હતો કે તેણે જાણી જોઇને ગુનો નથી કર્યો, આ તરફ પોલીસે હાલ ચાંડલા નશા હેઠળ હતો કે નહીં તેની પણ તપાસ હાથ ધરી છે તો કોર્ટે ઉંગને જામીન પર મુક્ત કર્યો છે જ્યાં શરત મૂકવામાં આવી છે કે તેણે દરરોજ પોલીસ સ્ટેશને હાજરી આપવી પડશે અને પોતાનો પાસપોર્ટ જમા કરાવવાનો રહેશે. ફરિયાદ પક્ષે જામીનનો વિરોધ કર્યો હતો, એવી દલીલ કરી હતી કે ઉંગ સમુદાય માટે અસ્વીકાર્ય જોખમ ઊભું કરે છે અને કોર્ટમાં હાજર થવામાં નિષ્ફળ થઈ શકે છે.
ચાંડલા સિડની ખાતે ટ્રોલી કલેક્ટર તરીકે કાર્ય કરતો હતો અને 10 વર્ષ પહેલા જ ઓસ્ટ્રેલિયા આવ્યો હતો. તેના માતા-પિતા હાલ ભારતમાં રહે છે જ્યારે તેનો ભાઇ અરમાન સિડનીમાં જ રહે છે.