પંજાબમાં વિવિધ ખેડૂત સંગઠનોએ ‘દિલ્હી ચલો’ માર્ચનું આહ્વાન કર્યું છે. આવી સ્થિતિમાં આજે બુધવારે (6 માર્ચ)ના રોજ મોટી સંખ્યામાં ખેડૂતો દિલ્હી પહોંચે તેવી શક્યતા છે.
બીજી તરફ દિલ્હી પોલીસે રાજધાનીના રેલવે સ્ટેશનો અને ઇન્ટરસ્ટેટ બસ ટર્મિનલ (ISBT) પર સુરક્ષા વ્યવસ્થા કડક કરી દીધી છે.
પોલીસ આવતા-જતા દરેક વ્યક્તિ પર નજર રાખી રહી છે.
બે ખેડૂત સંગઠનો ‘કિસાન મજદૂર મોરચા’ (KMM) અને સંયુક્ત કિસાન મોરચા (બિન-રાજકીય) દ્વારા દેશભરના ખેડૂતોને બુધવારે (6 માર્ચ) મોટી સંખ્યામાં દિલ્હી પહોંચવાની અપીલ કરતા દિલ્હી પોલીસે ટિકરી, સિંઘુ અને ગાઝીપુર સરહદો પર પણ સુરક્ષા વધારી દીધી છે.
આ સિવાય રાજધાનીના તમામ મેટ્રો સ્ટેશન પર પણ નજર રાખવામાં આવી રહી છે.
દિલ્હીમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે આ અંતર્ગત એક વિસ્તારમાં ચાર કે તેથી વધુ લોકોને ભેગા કરવાની મંજૂરી નથી.
પોલીસ દળોની વધારાની કંપનીઓ તમામ સંભવિત સ્થળોએ તૈનાત કરવામાં આવી છે જ્યાં વિરોધીઓ એકઠા થઈ શકે છે.
આ સિવાય ખેડૂત સંગઠનોએ 10 માર્ચે પણ દેશભરમાં ‘રેલ રોકો’ આંદોલનનું પણ આહ્વાન કર્યું છે.
ડેપ્યુટી કમિશ્નર ઓફ પોલીસ (રેલવે) કેપીએસ મલ્હોત્રાએ કહ્યું છે કે કોઈપણ અપ્રિય ઘટનાને ટાળવા માટે રેલ્વે સ્ટેશનોની અંદર અને બહાર સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી છે. તેમણે કહ્યું, ‘અમે રેલવે સ્ટેશનો પર મુસાફરોની અવરજવર પર સતત નજર રાખીએ છીએ.’ નવી દિલ્હી, જૂની દિલ્હી, આનંદ વિહાર, સરાય રોહિલા જેવા દિલ્હીના કેટલાક મોટા રેલવે સ્ટેશનો પર સુરક્ષા વધારી દેવામાં આવી છે.