લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ઉપરા ઉપરી ઝટકા લાગી રહયા છે, કોંગ્રેસના યુવા નેતા અંબરિષ ડેરે કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યા બાદ હવે ગુજરાત કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને વરિષ્ઠ નેતા અર્જુન મોઢવાડિયા પણ પાર્ટીમાંથી રાજીનામું આપી શકે છે તેવી વાત મીડિયામાં સામે આવતા રાજકારણ ગરમાયુ છે.
અર્જુન મોઢવડિયા પોરબંદરના ધારાસભ્ય છે અને વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા રહી ચૂક્યા છે.
અર્જુન મોઢવાડિયા જો પાર્ટી છોડે તો ગુજરાત કોંગ્રેસ માટે લોકસભા ચૂંટણી પહેલાં આ એક મોટો ઝાટકો હશે, કારણ કે તેઓ જૂના કોંગ્રેસના જોગીઓ પૈકીના એક છે.
તેઓ પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અને વિપક્ષ નેતા રહી ચૂક્યા છે.
તેઓ લોકોમાં સારી એવી પકડ ધરાવે છે. 2022ની ચૂંટણીમાં ભાજપની પ્રચંડ લહેર વચ્ચે પણ તેઓ પોતાની બેઠક બચાવી રાખવામાં સફળ થયા હતા.
તાજેતરમાં જ અર્જુન મોઢવાડિયા ભગવાન રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠાનો બહિષ્કાર કરવાના કોંગ્રેસના નિર્ણયનો જાહેરમાં વિરોધ કર્યો હતો, તેમણે તે વખતે X પર લખ્યું હતું કે, ‘ભગવાન શ્રીરામ આરાધ્ય દેવ છે. આ દેશવાસીઓની આસ્થા અને વિશ્વાસનો વિષય છે. કોંગ્રેસે આવા રાજનીતિક નિર્ણયો લેવાથી દૂર રહેવું જોઈતું હતું.’
આ સિવાય તાજેતરમાં વિજાપુરના કોંગ્રેસી ધારાસભ્ય સી.જે ચાવડાએ જ્યારે રાજીનામું આપ્યું તે પાછળનું કારણ જણાવતાં કહ્યું કે, “જ્યારે આખા દેશના લોકો આજે રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠાને લઈને ઉત્સાહિત છે ત્યારે તમામ પાર્ટીઓએ તેમાં ભાગીદાર બનવું જોઈએ. પરંતુ કોંગ્રેસે જે વલણ અપનાવ્યું તેનાથી હું નારાજ છું.”
આમ,અગાઉ તેઓ કોંગ્રેસ સામે નારાજગી વ્યક્ત કરી ચુક્યા છે અને આજે જ્યારે યુવા કોંગી નેતા અંબરીષ ડેરે કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યું છે ત્યારે હવે આગળનો નમ્બર અર્જુન ભાઈ મોઢવડિયાનો હોવાનું કહેવાય છે.
ગુજરાતના રાજકારણમાં આ પ્રકારની વાત વહેતી થતા ચર્ચાનું બજાર ગરમ બન્યું છે જોકે હજુ આ વાતને સત્તાવાર સમર્થન મળ્યું નથી.
જોકે,જે રીતે કહેવામાં આવી રહ્યું છે તે મુજબ અર્જુન મોઢવડિયા વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને મળીને રાજીનામુ આપવાના છે,આજે શંકર ચૌધરી થરાદમાં એક કાર્યક્રમમાં હાજરી આપવા આવ્યા હતા તેઓ પોતાનો કાર્યક્રમ ટૂંકાવીને ગાંધીનગર પહોંચ્યા હોવાની વાત છે.
આમ,આજના દિવસે રાજકીય માહોલ ભારે ગરમાયો છે.