વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેલંગાણાના પ્રવાસે છે, આજે સોમવારે વડા પ્રધાન મોદીએ તેલંગાણાના અદિલાબાદમાં રૂ. 56 હજાર કરોડની અનેક વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો. આ દરમિયાન એક જનસભાને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે ‘આજે અદિલાબાદની ધરતી માત્ર તેલંગાણા માટે જ નહીં પરંતુ સમગ્ર દેશનો વિકાસ જોઈ રહી છે. આજે મને અહીં 30 થી વધુ વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરવાની તક મળી છે.
56 હજાર કરોડ રૂપિયાના આ પ્રોજેક્ટ તેલંગાણા સહિત દેશના ઘણા રાજ્યોમાં વિકાસનો નવો અધ્યાય લખશે.
વડા પ્રધાને કહ્યું કે ‘છેલ્લા 10 વર્ષમાં અમારી સરકારે તેલંગાણાના વિકાસ માટે સતત પ્રયાસો કર્યા છે.
ગરીબ,દલિતો,વંચિતો આદિવાસી સહિતની જનતા જનાર્દનનો વિકાસ અમારા પ્રયાસોનું પરિણામ છે કે આજે 25 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે, આ અમારી ગરીબ કલ્યાણ યોજનાઓને કારણે શક્ય બન્યું છે.
વિકાસના આ અભિયાનને આગામી 5 વર્ષમાં વધુ ઝડપથી આગળ વધારવામાં આવશે.
વડાપ્રધાને કહ્યું કે તેલંગાણાની રચનાના 10 વર્ષ પૂર્ણ થવાના છે. આવી સ્થિતિમાં કેન્દ્ર સરકાર રાજ્યની જનતાની આકાંક્ષાઓ અને અપેક્ષાઓ પૂર્ણ કરવાનો પ્રયાસ કરી રહી છે. અમે NTPCના 800 MW ક્ષમતાના એકમનું ઉદ્ઘાટન કર્યું છે, જે તેલંગાણામાં ઉર્જા ઉત્પાદન વધારશે. રાજ્યમાં કનેક્ટિવિટી વધારવા માટે રેલવે અને નેશનલ હાઈવેનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે, જેનાથી તેલંગાણાના વિકાસને વેગ મળશે. આનાથી બસોમાં મુસાફરીનો સમય ઘટશે એટલું જ નહીં પરંતુ રાજ્યમાં પ્રવાસન ક્ષેત્રને પણ વેગ મળશે અને રોજગારીની તકોમાં વધારો થશે. પીએમ મોદીએ કહ્યું કે સરકારે છેલ્લા 10 વર્ષમાં કરેલા કામથી દેશ બદલાઈ ગયો છે,અમારી સરકાર તેલંગાણાનું ખાસ ધ્યાન રાખી રહી છે.
પીએમ મોદીએ કહ્યું કે ‘ચૂંટણી આવશે ત્યારે જોયુ જશે, મારે દેશને આગળ લઈ જવો છે.’