મેટાએ ઓસ્ટ્રેલિયન રેગ્યુલેટરના આદેશની અવગણના કરી સમાચાર સામગ્રી માટે ચૂકવણી ન કરવાની જાહેરાત કરતા પીએમ એન્થોની અલ્બેનિસે મેટાની આ જાહેરાત પર નિરાશા વ્યક્ત કરી છે.

ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ જેવા પ્લેટફોર્મની માલિકી ધરાવતી મેટાના આ નિર્ણયથી ઓસ્ટ્રેલિયામાં ઘણા ન્યૂઝ પબ્લિશર્સ નારાજ છે.
મેટાએ કહ્યું કે તે ફેસબુક પર દેખાતી સામગ્રી માટે ઓસ્ટ્રેલિયન સમાચાર પ્રકાશકોને ચૂકવણી કરવાનું બંધ કરી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે મેટા અને ગૂગલ જેવી ટેક જાયન્ટ્સ સોશ્યલ મીડિયા પ્લેટફોર્મને ન્યૂઝ કન્ટેન્ટ માટે પેમેન્ટ ચૂકવણી કરવા આ રીતે શરૂઆત કરાવનાર ઓસ્ટ્રેલિયા વિશ્વનો પ્રથમ દેશ હતો.

ન્યૂઝ પબ્લિશર્સ અને ઓસ્ટ્રેલિયન રેગ્યુલેટરે દલીલ કરી હતી કે જ્યારે આ ટેક પ્લેટફોર્મ પર ન્યૂઝ આર્ટિકલ્સની લિંક્સ દેખાય છે, ત્યારે ફેસબુક અને ગૂગલને જાહેરાતની આવક મળે છે, પરંતુ ન્યૂઝ પબ્લિશર્સને આ આવકમાંથી યોગ્ય નફો આપવામાં આવતો નથી.

સમાચાર પ્રકાશકોએ વિશ્વભરના ઘણા દેશોમાં મેટા અને ગૂગલ સામે સ્પર્ધાના નિયમનકારો સામે માગણીઓ ઉઠાવી છે, એમ કહીને કે આ પ્લેટફોર્મ્સે તેમની સામગ્રીનો ઉપયોગ કરીને જાહેરાતોમાંથી પુષ્કળ આવક મેળવી છે, પરંતુ તેમને તેમનો વાજબી હિસ્સો આપ્યો નથી.
ભારતમાં પણ ડિજિટલ ન્યૂઝ પબ્લિશર્સ એસોસિએશન (DNPA) દ્વારા સ્પર્ધા પંચ સમક્ષ આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે, જેના પર હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.

મેટાએ ઑસ્ટ્રેલિયા અને કેનેડામાં સમાચાર પ્રકાશકો સાથેના લાઇસેંસિંગ સોદાને ટાળવા માટે સમાચાર સામગ્રીને ફરીથી પોસ્ટ કરવાનો વિકલ્પ દૂર કર્યો છે. ન્યૂઝ કોર્પ ઓસ્ટ્રેલિયાના એક્ઝિક્યુટિવ ચેરમેન માઈકલ મિલરે જણાવ્યું હતું કે મેટા તેની વિશાળ બજાર શક્તિને કારણે આ બધું કરી રહી છે.

ઓસ્ટ્રેલિયન પીએમ એન્થોની અલ્બેનિસે મેટાની જાહેરાત પર નિરાશા વ્યક્ત કરી કહ્યું, આ ઓસ્ટ્રેલિયન રીત નથી.
સરકાર આ મામલે નાણા વિભાગ અને સ્પર્ધા અને ઉપભોક્તા આયોગ (ACCC) સાથે આગળના પગલાઓ પર વિચાર કરી રહી છે. તેમણે આ અંગે યોગ્ય કાર્યવાહી કરવાની વાત કરી હતી.