રેડિયોની દુનિયામાં જાણીતા પીઢ રેડિયો પ્રસ્તુતકર્તા અમીન સયાનીનું 91 વર્ષની ઉંમરે નિધન થયું છે.

તેમના નિધનના સમાચારની પુષ્ટિ તેમના પુત્ર રઝીલ સયાનીએ કરી છે જેમાં જણાવાયું હતું કે તેમના પિતા અમીન સાયનીને હાર્ટ એટેક આવ્યો હતો, ત્યારબાદ તેમને તાત્કાલિક HN રિલાયન્સ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા પરંતુ અમીન સાયનીનું રસ્તામાં જ મૃત્યુ થયું હતું.

જોકે,અમીન સાયનીને હાઈ બ્લડ પ્રેશર અને ઉંમર સંબંધિત અન્ય બીમારીઓ વચ્ચે છેલ્લા 12 વર્ષથી કમરનો દુઃખાવો રહેતો હોય તેમને ચાલવા માટે વૉકરનો ઉપયોગ કરવો પડતો હતો.

અમીન સાયનીના અંતિમ સંસ્કાર આવતીકાલે એટલે કે 22મી ફેબ્રુઆરીએ થશે.

21 ડિસેમ્બર, 1932ના રોજ મુંબઇમાં જન્મેલા ફેમસ રેડિયો પ્રેઝેન્ટર અમીન સયાનીનો બિનાકા ગીતમાલા શો ઘણોજ લોકપ્રિય હતો જેમાં તેઓ ખૂબ જ મધુર અવાજ અને મેલોડિયસ અંદાજમાં ભાઈઓ અને બહેનો કહી કાર્યક્રમની શરૂઆત કરતા હતા જે આજે પણ રેડિયો રસિકોના કાનમાં ગુંજે છે.
તેમનો પ્રખ્યાત કાર્યક્રમ બિનાકા ગીતમાલા રેડિયો સિલોન પર પ્રસારિત થયો હતો,અમીન સયાનીએ 1951માં રેડિયો કરિયરની શરૂઆત કરી હતી.
તેઓના નામે 54,000 થી વધુ રેડિયો પ્રોગ્રામ પ્રોડ્યુસ કરવાનો/વોઈસઓવર કરવાનો રેકોર્ડ છે.
આ સિવાય19,000 જિંગલ્સ માટે અવાજ આપવા બદલ અમીન સયાનીનું નામ લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સમાં પણ નોંધાયેલું છે.
અમીન સયાનીએ ભૂત બંગલા, તીન દેવિયાં, કત્લ જેવી ફિલ્મોમાં એનાઉન્સર તરીકે પણ કામ કર્યું હતું.
રેડિયો કિંગ અમીન સયાનીના નિધનને પગલે ચાહકો અને તેમના પરિવારમાં શોકની લાગણી ફેલાઇ છે.