કસુંબો ફિલ્મના વિજયગીરી બાવાએ ભારતના ફિલ્મ સેન્સર બોર્ડના વલણ સામે કર્યા સવાલ, મરાઠી ફિલ્મમાં ઔરંગઝેબની વાર્તા આસાનીથી પાસ થઇ તો કસુંબોની સનાતની કથા સામે વાંધો કેમ પડ્યો ?

નમસ્કાર ગુજરાત ન્યૂઝ.
શેત્રુંજયની રક્ષા માટે 51 લોકોએ પોતાના જીવની પરવા કર્યા વિના બલિદાન આપ્યું હતું તે સત્ય ઘટના પર આધારિત ફિલ્મ કસુંબોના નિર્માતા-નિર્દેશક વિજયગીરી બાવાએ ભારતીય સેન્સર બોર્ડના વિવાદાસ્પદ વલણ સામે સવાલ કર્યો છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો સામે આવ્યો છે જેમાં ફિલ્મના નિર્માતા વિજયગીરી બાવાએ સેન્સર બોર્ડ સામે સવાલ કર્યો છે કે 16મી તારીખે રિલીઝ થઇ રહેલી ફિલ્મને છેલ્લી ઘડી સુધી પાસ કેમ ન કરવામાં આવી જ્યારે તેમાં કશું જ વાંધાજનક નહતું.

વિજયગીરી બાવાએ વીડિયોમાં દાવો કર્યો હતો કે ફિલ્મના પ્રીમિયરના દિવસ સુધી ખબર ન હતી કે ફિલ્મ થીયેટરમાં રિલીઝ કરી શકાશે કે નહીં ? કારણ કે અમારી સાથે જ મરાઠીમાં ઔરંગઝેબ પર આધારિતી ફિલ્મ તુરંત સેન્સર બોર્ડમાંથી પાસ થઇ હતી જ્યારે 51 લોકોની શહીદીની ગાથા પરની ફિલ્મને 15 તારીખ સુધી અટકાવી રાખવામાં આવી હતી. અનેક પડકારો અને મહેનતને લગાવ્યા બાદ કસુંબો બનાવવામાં આવી હતી અને જ્યારે તર્ક વિના તેને અટકાવી રાખવામાં આવી ત્યારે સેન્સર બોર્ડના વલણ સામે જરૂરથી સવાલો થઇ શકે.

સેન્સર બોર્ડને મહીસાસુર મર્દિની સ્તોત્ર સામે કેમ વાંધો હતો ?
વિજયગીરી બાવાએ જણાવ્યું હતું કે હું હિન્દુઇઝમ, જૈનિઝમ કે ઇસ્લામની વાત નથી કરતો. પરંતુ ભારત દેશમાં સનાતન ધર્મ પર ફિલ્મ બનાવી છે, જેમાં ગીતાના શ્લોક મૂક્યા છે. જ્યાં મહીસાસુર મર્દિની સ્ત્રોત્ર મૂક્યું છે. જોકે સેન્સર બોર્ડે અમને આ શ્લોક અને સ્ત્રોત્ર નહીં ચલાવીએ તેવું કહ્યું ત્યારે આઘાત પામ્યા હતા. આશ્ચર્યજનક એ છે કે અલાઉદ્દીન ખીલજી કલમા પઢે છે એમાં ભારતીય સેન્સર બોર્ડને કોઇ વિરોધ નથી. આવા બેવડા વલણ સામે વિજયગીરી બાવાએ અનેક સવાલ ભારતીય સેન્સર બોર્ડ સામે કર્યા છે.

ફિલ્મનો એન્ડ બચાવવા માટે ઘણી મહેનત કરવી પડી
વિજયગીરી બાવાએ વીડિયોમાં જણાવ્યું છે કે ફિલ્મનો એન્ડ બચાવવા માટે 15મી તારીખ સુધી અમારે અનેક પડકારોનો સામનો કરવો પડ્યો. છેલ્લીક્ષણ સુધી અમને ખ્યાલ નહતો કે ફિલ્મ નક્કી તારીખે રિલીઝ થશે કે નહીં. અમે બે ત્રણ વર્ષથી રિસર્ચ અને અન્ય પ્રોસેસ બાદ ફિલ્મને આ ઘડી સુધી લઇ આવ્યા હતા પરંતુ આવા અતાર્કિક કારણને પગલે ફિલ્મ અટકી પડે તેવું ક્યારેય વિચાર્યું નહતું.

ફિલ્મના સર્જક વિજયગિરિ બાવા.. જેમની ૨૧મું ટિફિન, મહોતું જેવી અનેક ફિલ્મો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં સ્થાન પામી ચૂકી છે.. કસુંબો પણ જૈન સમાજ માટે શત્રુંજય તીર્થ સ્થાન પર શહીદી વહોરનારા 51 શૌર્યવીરોની કહાની છે. ફિલ્મ કસુંબો પોતાના રિવ્યુને લઇ હાલ સોશિયલ મીડિયામાં ટોક ઓફ ધ ટાઉન બની છે. જોકે આ સેન્સર બોર્ડની સાથેના આ દાવાએ એક નવો જ વિવાદ સર્જ્યો છે કે આખરે સનાતન ધર્મની ફિલ્મ સામે આવું બેવડું વલણ કેમ ?

લાખોના ખર્ચે કસુંબો ફિલ્મનો સેટ તૈયાર કરાયો
લાખોના ખર્ચે બનેલી આ ફિલ્મમાં સૌથી વધુ કલાકારોએ કામ કર્યું છે. અમદાવાદ બહાર સોળ વીઘા જમીન પર બનાવાયેલા ભવ્ય સેટ પર આ ફિલ્મનું શૂટિંગ કરાયું હતું. ફિલ્મના પ્રોડ્યુસર ટ્વિન્કલ વિજયગીરી બાવાએ મુંબઇના ૪૦૦થી વધુ કારીગરોને બોલાવી મહિનાઓની મહેનત બાદ 13મી સદીના દૃશ્યોવાળો સેટ તૈયાર કરાવ્યો હતો. ૧૩મી સદીની આસપાસની વાત રજૂ કરતી આ ફિલ્મની સ્ક્રીપ્ટ રામ મોરીએ લખી છે. જ્યારે ફિલ્મમાં દાદુ બારોટનો રોલ નિભાવ્યો છે ધર્મેન્દ્ર ગોહિલે જ્યારે અલ્લાઉદ્દીન ખીલજી તરીકે દર્શન પંડયાએ નિભાવ્યો છે. આ ઉપરાંત ચેતન ધાનાણી, રૌનક કામદાર,મોનલ ગજ્જર, શ્રદ્ધાં ડાંગર, હેતલ બારોટ સહિતના ઘણાં કલાકારોએ પોતાના દમદાર અભિનયથી ફિલ્મ ક્રિટિક્સ અને દર્શકોની વાહવાહી મેળવી છે.

પ્રસૂન જોષી છે સેન્સર બોર્ડના ચેરમેન
 સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન-સેન્સર બોર્ડના નવા અધ્યક્ષ તરીકે પ્રસૂન જોશીની નિમણૂંક કરાઇ છે.  પ્રસૂન જોષી એક પ્રખ્યાત ગીતકાર, પટકથા લેખક, કવિ અને માર્કેટિંગ અને મેકકેન વર્લ્ડગ્રુપ ઇન્ડિયાના સીઇઓ છે. તે વૈશ્વિક માર્કેટિંગ કંપની મેકકેન એરિકસનની પેટાકંપની એશિયા પેસિફિકના ચેરમેન પણ છે.