અમેરિકામાં ગેરકાયદે પ્રવેશ કરવા ડંકી રૂટની વાતો જગજાહેર થયા બાદ હવે ગેરકાયદેસર રીતે ઓસ્ટ્રેલિયા જવા માટેનો ‘ડંકી રૂટ’ નો મામલો સામે આવતા ઓસ્ટ્રેલિયન સરકાર ચોંકી ઉઠી છે અને વિરોધ પક્ષોએ આ બાબતને સરહદ સુરક્ષામાં ક્ષતિ ગણાવી હોબાળો મચાવ્યો છે. ઓસ્ટ્રેલિયામાં ગેરકાયદે પ્રવેશ માટે એક પાકિસ્તાની ઈન્ડોનેશિયાથી 8 હજાર ડોલરમાં ઓસ્ટ્રેલિયા પહોંચ્યો હોવાની વાતનો ખુલાસો થયો છે.

ABC એ અહેવાલ આપ્યો છે કે પાકિસ્તાન અને બાંગ્લાદેશના 20 થી વધુ માણસો પશ્ચિમ ઓસ્ટ્રેલિયાના દૂરના ભાગ એવા બ્રુમથી 100 કિમી ઉત્તરે બીગલ ખાડીમાં ગેરકાયદેસર રીતે બોટ દ્વારા પ્રવેશી ગયા હતા.
ગેરકાયદેસર પ્રવેશ કરનારા સ્વાસ્થ્યમાં દેખાયા જેઓને સ્થાનિક સ્ટોર પર પાણી આપવામાં આવ્યુ હતું બાદમાં ઝડપાયેલા પૈકી એકને સ્થાનિક પ્રાથમિક શાળામાં લઈ જવામાં આવ્યો હતો, એબીસીને જણાવ્યું કે તે પાકિસ્તાનનો છે અને અગાઉ ઓસ્ટ્રેલિયામાં રહેતો હતો વિઝા નામંજૂર થતાં તેને દેશનિકાલ કરવામાં આવ્યો હતો.
તેણે કબૂલાત કરી હતી કે ઇન્ડોનેશિયાથી ઓસ્ટ્રેલિયામાં ઘૂસવા માટે મુસાફરીની વ્યવસ્થા કરવા માટે તેને $8,000નો ખર્ચ થયો હતો.
આ વ્યક્તિએ બાદમાં તેની પત્ની અને બાળકોને આજ રસ્તે ઓસ્ટ્રેલિયા લાવવાની આશા રાખી હતી પણ તે ઝડપાઇ ગયો છે.

ઓસ્ટ્રેલિયન બોર્ડર ફોર્સ (ABF) એ ચેતવણી આપી છે કે કોઈપણ અનધિકૃત આગમનને દેશમાં કાયમી ધોરણે સ્થાયી થવા દેવામાં આવશે નહીં.

દરમિયાન,વિરોધ પક્ષના નેતા, પીટર ડટ્ટને દાવો કર્યો હતો કે “આ સરકારે અમારી સરહદો પરનું નિયંત્રણ ગુમાવ્યું છે”, જોકે, વડા પ્રધાન, એન્થોની આલ્બાનીસે કહ્યું કે ઓસ્ટ્રેલિયાની કડક નીતિઓ બદલાઈ નથી અને સુરક્ષા વ્યવસ્થા મજબૂત છે.
આમ,ઓસ્ટ્રેલિયામાં ગેરકાયદે ઘુસવા માટે આ રીતે ઇન્ડોનેશિયા માર્ગનો ઉપયોગ સામે આવતા તંત્ર એલર્ટ થઈ ગયું છે.