ભારતીય અને દક્ષિણ એશિયાઈ મૂળના નેતાઓને ખંડણીની ધમકીઓ મળી હોવાના અહેવાલો

તાજેતરમાં કેનેડામાં ભારતીય મૂળના લોકોને ખંડણી માટે ધમકીભર્યા ફોન આવ્યા હોવાનો કિસ્સો સામે આવ્યો હતો. હવે સમાચાર આવ્યા છે કે કેનેડિયન પોલીસે રાષ્ટ્રીય સ્તરની ટીમ બનાવી છે, જે આ કેસોની તપાસ કરશે. રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસની નેશનલ કોઓર્ડિનેશન અને સપોર્ટ ટીમ આ ઘટનાઓની તપાસ કરવા માટે બ્રિટિશ કોલંબિયા, ઓન્ટારિયો અને આલ્બર્ટા રાજ્યોમાં પોલીસ સાથે કામ કરી રહી છે. આ ત્રણ રાજ્યોમાં જ ભારતીય અને દક્ષિણ એશિયાઈ મૂળના નેતાઓને ખંડણીની ધમકીઓ મળી હોવાના અહેવાલો હતા.

કેનેડિયન પોલીસનો દાવો છે – આ સંગઠિત અપરાધનો મામલો છે
કેનેડાના એક ટોચના પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે તપાસ ટીમ ધમકીભર્યા ખંડણી કોલ પાછળના હેતુની તપાસ કરી રહી છે. તેમણે કહ્યું કે આ મામલો સંગઠિત અપરાધ સાથે સંબંધિત છે. છેલ્લા કેટલાક મહિનામાં કેનેડામાં દક્ષિણ એશિયાઈ મૂળના લોકો, ખાસ કરીને ભારતીય મૂળના લોકોને ખંડણી માટે ધમકીભર્યા ફોન આવ્યા હતા. આ મામલે અનેક ફરિયાદો નોંધાઈ હતી. કેનેડામાં ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા બાદ કેનેડામાં ભારતીય મૂળના લોકો, ખાસ કરીને હિંદુઓ પર હુમલા વધી ગયા છે. ઘણા હિંદુ મંદિરોને પણ નિશાન બનાવવામાં આવ્યા છે.

ભારતીય મૂળના લોકોના ઘરો પર ગોળીબાર કરવામાં આવ્યો હતો
ભારતીય મૂળના કેટલાક લોકોના ઘર પર ગોળીબારની ઘટનાઓ પણ બની હતી. ગુનેગારોએ ફોન કરીને સુરક્ષાના બદલામાં લોકો પાસેથી 2 મિલિયન ડોલરની ખંડણી માંગી હતી. ગયા વર્ષે નવેમ્બરમાં, કેનેડિયન પોલીસે દાવો કર્યો હતો કે આ ઘટનાઓ પાછળ એક ભારતીય ગુનાહિત ગેંગનો હાથ છે, જે કેનેડામાં દક્ષિણ એશિયાઈ મૂળના લોકોને નિશાન બનાવી રહી છે. ગયા વર્ષે ડિસેમ્બરમાં કેનેડામાં વૈદિક હિન્દુ કલ્ચરલ સોસાયટીના પ્રમુખના પુત્રના ઘરે ગોળીબારની ઘટના બની હતી. કેનેડા પોલીસે આ કેસમાં બે લોકોની ધરપકડ કરી હતી. જો કે બાદમાં બંનેને પૂછપરછ બાદ છોડી મુકવામાં આવ્યા હતા.