ગુજરાત યુનિવર્સિટી બદનક્ષી કેસમાં આમ આદમી પાર્ટીના નેતા કેજરીવાલ અને સંજય સિંહને જારી થયેલ સમન્સને રદ્દ કરવા સાથે ફરિયાદ રદ્દ કરવા મામલે ગુજરાત હાઈકોર્ટે બન્ને નેતાઓને ઝટકો આપ્યો છે.
ગુજરાત હાઈકોર્ટે આ અરજી ફગાવી દીધી છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ડિગ્રી મામલે ગુજરાત યુનિવર્સિટીએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને AAPના નેતા સંજયસિંહ સામે બદનક્ષીનો કેસ કર્યા બાદ બન્ને સામે મેટ્રો કોર્ટે સમન્સ નિકાળતા તેઓએ સેશન્સ કોર્ટમાં કરેલી અરજી સેશન્સ કોર્ટે નકારતા બન્નેએ હાઇકોર્ટનાં દ્વાર ખટખટાવ્યાં હતાં અને અરજી કરી સમન્સ રદ કરવા અને સ્ટે આપવા માગ કરવા મામલે આજે ગુજરાત હાઇકોર્ટે કેજરીવાલ અને સંજયસિંહની અરજી ફગાવી દેતા હવે મેટ્રો કોર્ટમાં જ ટ્રાયલ ચાલશે અને અરવિંદ કેજરીવાલે હાજર થવું પડશે.

વિગતો મુજબ ગુજરાત હાઈકોર્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એમએ ડિગ્રી સંબંધિત કેસમાં સીઆઈસીના આદેશને રદ કર્યો હતો.
ગુજરાત હાઈકોર્ટના નિર્ણય બાદ કેજરીવાલ અને સંજય સિંહે દિલ્હીમાં પ્રેસ કોન્ફરન્સ કરી હતી.

આરોપ છે કે આ પ્રેસ કોન્ફરન્સમાં બંને નેતાઓએ એવી વાતો કહી જેનાથી યુનિવર્સિટીની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચ્યુ હતું.
આ પછી યુનિવર્સિટીના રજિસ્ટ્રાર પિયુષ પટેલ વતી અમદાવાદની મેટ્રોપોલિટન કોર્ટમાં બંને નેતાઓ સામે માનહાનિનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. જેમાં બંને નેતાઓને હાજર થવા સમન્સ પાઠવવામાં આવ્યા હતા.

જોકે, બંને નેતાઓ હજુ સુધી હાજર થયા નથી. જો આજે સેશન્સ કોર્ટમાંથી રાહત નહીં મળે તો બંને નેતાઓ માટે કાયદાકીય મુશ્કેલીઓ વધી શકે છે.
હવે, મેટ્રોપોલિટન કોર્ટની આગામી સુનાવણીમાં યુનિવર્સિટી બંને નેતાઓ સામે વોરંટ જારી કરવાની માંગ કરી શકે છે.

મહત્વનું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રીના વિવાદને લઇ ગુજરાત યુનિવર્સિટી વિશે વાંધાજનક અને યુનિવર્સિટીની છબી ખરડાય તે પ્રકારના બદનક્ષીભર્યા નિવેદનો કરવાના પ્રકરણમાં આપના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને AAPના સાંસદ સંજયસિંહ વિરુદ્ધ બદનક્ષીનો કેસ દાખલ થયો હતો.
આ નેતાઓ વિરુદ્ધ ગુજરાત યુનિવર્સિટીએ બદનક્ષીની ફરિયાદ નોંધાવી હતી.

આમ,આ બદનક્ષી કેસમાં કેજરીવાલ અને સંજય સિંહની મુશ્કેલીઓ વધી છે.