ગ્રોટો બુ્રસ પેનિનસુલા નેશનલ પાર્કમાં રાહુલ અને તેના મિત્રએ કોતર ઉપરથી તળાવમાં છલાંગ લગાવી હતી

કેનેડામાં વડોદરા વિદ્યાર્થીનું તળાવમાં ડૂબી જવાથી મોત થયું છે. રાહુલ માખીજા નામનો વિદ્યાર્થી મિત્રો સાથે કેનેડાના ટોરન્ટો શહેર નજીક આવેલા પિકનિક સ્પોટ ઉપર ગયો હતો જ્યાં તળાવમાં ન્હાવા પડતાં તેનું ડૂબી જવાથી મોત થયું હતું.

કેનેડાના સ્થાનિક મીડિયામાં આ ઘટના અંગે પ્રસિધ્ધ થયેલા અહેવાલો મુજબ રાહુલ અને તેને મિત્રો ગ્રોટો બુ્રસ પેનિનસુલા નેશનલપાર્કમાં બુધવારે (તા.૨૦ ઓક્ટોબર) પિકનિક માટે આવ્યા હતા અને સ્થાનિક સમય પ્રમાણે સાંજે ૪.૧૫ વાગ્યે રાહુલને ડૂબવાના મેસેજ મળ્યા હતા. રાહુલને જે ડોક્ટર પાસે સારવાર માટે લઇ જવાયો હતો તે ડોક્ટર જ્યોર્જ હાર્પરે એક પત્રકાર સાથેની વાતચીતમાં કહ્યું હતું કે ‘રાહુલે તળાવ કિનારે આવેલ કોતર ઉપરથી તળાવમાં કુદકો માર્યો હતો. બદનસીબે પાણી ખુબ ઠંડુ હતું. ઠંડા પાણીમાં અચાનક પડવાથી શરીરમા હાંફ ચઢે છે અને આ સમયે પાણી ફેંફસામાં જતુ રહે છે. રાહુલ અને તેનો મિત્ર તળાવ કાંઠાથી માત્ર ૧૦ મિટરના અંતરે છીછરા પાણીમાં જ હતા એટલે ડુબવાના ચાન્સ ઓછા છે જ્યારે ફેંફસામાં પાણી જતુ રહ્યુ હોવાના ચાન્સ વધારે છે’