પાકિસ્તાનમાં આજે સંસદીય ચૂંટણી માટે મતદાન થશે.
100 વિદેશી નિરીક્ષકો ચૂંટણી પ્રક્રિયા પર નજર રાખી રહ્યા છે.
90600થી વધુ મતદાન મથકો પર મતદાન થશે.
12.8 કરોડથી વધુ મતદારો તેમના પ્રતિનિધિઓને ચૂંટશે.
પાકિસ્તાન આજે સામાન્ય ચૂંટણી હોય મતદાન મથકો ઉપર ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે.
મંગળવારે રાત્રે ચૂંટણી પ્રચાર સમાપ્ત થયો હતો.
100 વિદેશી નિરીક્ષકો પાકિસ્તાની ચૂંટણી પ્રક્રિયા પર નજર રાખી રહ્યા છે. પૂર્વ પીએમ નવાઝ શરીફની પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (PML-N) પાકિસ્તાનમાં સામાન્ય ચૂંટણીમાં સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી શકે છે.
ઈમરાન ખાન જેલમાં હોવાથી અને ચૂંટણી ચિન્હનો વિવાદ શરીફને પૂરો ફાયદો કરાવી શકે છે.
પીપીપીના બિલાવલ ભુટ્ટોનો પંજાબમાં બહુ પ્રભાવ નથી,જો શરીફ જીતશે તો તેઓ ચોથી વખત પીએમ બનશે. પાકિસ્તાનમાં કુલ 90,675 પોલિંગ સ્ટેશન ઉભા કરાયા છે
આ સ્ટેશનો પર 2,76,402 મતદાન મથકો પર મતદાન પ્રક્રિયા હાથ ધરાશે.
પાકિસ્તાનના ચૂંટણી પંચ (ECP) એ જણાવ્યું હતું કે સામાન્ય ચૂંટણીઓમાં 12.85 કરોડથી વધુ નોંધાયેલા મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરશે. અશાંત બલૂચિસ્તાનમાં વધારાની તકેદારી રાખવામાં આવી રહી છે.
પાકિસ્તાનમાં નેશનલ એસેમ્બલી અને પ્રાંતીય ચૂંટણી માટે 6.50 લાખ સુરક્ષાકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે. બલૂચિસ્તાન પંજગુરના વરિષ્ઠ પોલીસ અધિકારી (એસએસપી) અબ્દુલ્લા ઝહારીએ કહ્યું કે, આતંકવાદીઓ ચૂંટણી ઉમેદવારોને નિશાન બનાવી રહ્યા છે જેથી લોકો મતદાન મથકો સુધી ન પહોંચે. જેને લઈને દેશભરમાં સુરક્ષા વ્યવસ્થા વધુ કડક કરવામાં આવી છે. કોઈપણ અપ્રિય પરિસ્થિતિને પહોંચી વળવા માટે પાકિસ્તાનની હોસ્પિટલોને 7 થી 9 ફેબ્રુઆરી સુધી હાઈ એલર્ટ પર રાખવામાં આવી છે. નેશનલ હેલ્થ સર્વિસ રેગ્યુલેશન એન્ડ કોઓર્ડિનેશન મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા નોટિફિકેશન મુજબ, ડોકટરો, નર્સો અને અન્ય સ્ટાફની રજાઓ રદ કરવામાં આવી છે.
કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં ચૂંટણીને માત્ર સેનાની પસંદગીના લોકોને પસંદ કરવાના માધ્યમ તરીકે વર્ણવવામાં આવી રહી છે. જનતા તેને ડ્રામા ગણાવી રહી છે. તે જ સમયે, શહેરી વિસ્તારોના મોટાભાગના મતદારો માને છે કે દૂરના વિસ્તારોમાં નિષ્પક્ષ ચૂંટણીની અપેક્ષા રાખી શકાતી નથી, કારણ કે ચૂંટણી બેલેટ પેપર પર યોજવામાં આવી રહી છે. પાકિસ્તાનમાં ઘણા સશસ્ત્ર જૂથો સક્રિય છે, જેના કારણે હિંસક ઘટનાઓના ભયને કારણે ઓછા મતદાનની સંભાવના છે, ખાસ કરીને ખૈબર પખ્તુનખ્વા અને બલૂચિસ્તાન જેવા પ્રદેશો સંવેદનશીલ માનવામાં આવી રહયા છે.
ચૂંટણી પંચ અને પાકિસ્તાનની વચગાળાની સરકારના જણાવ્યા અનુસાર, દેશભરમાં અનેક પડકારો વચ્ચે 26 કરોડ બેલેટ પેપરનું વિતરણ પૂર્ણ થયું છે. ચૂંટણી ફરજ પર તૈનાત કર્મચારીઓને મતદાન પ્રક્રિયા પૂર્ણ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. સરકારે ચેતવણી આપી છે કે જો તેઓ ફરજ પર હાજર નહીં થાય તો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. વચગાળાની સરકારના માહિતી મંત્રીએ કહ્યું કે ચૂંટણીની માહિતી માટે એક પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે. આનાથી દરેક જગ્યાએ ચૂંટણીની સ્થિતિ વિશે સચોટ માહિતી મળશે