ક્રિકેટની દુનિયામાં આજકાલ 24 વર્ષના યુવા વેસ્ટ ઈન્ડિઝના ફાસ્ટ બોલર શમર જોસેફ ખૂબ ચર્ચામાં છે.
અત્યારસુધી આ ખેલાડીનું નામ પણ કોઈ જાણતું ન હતું, પરંતુ આજે આખી દુનિયામાં તેની ચર્ચા થઈ રહી છે.

તેણે એકલા હાથે ગાબામાં ઓસ્ટ્રેલિયાને ધૂળ ચાટતું કરી વેસ્ટઈન્ડિઝને જીત અપાવ્યા બાદ તે આખી દુનિયામાં તે ચર્ચાનો વિષય બની ગયો છે.

જોકે, શમર જોસેફની અહીં સુધી પહોંચવાની સફર ઘણી મુશ્કેલભરી રહી છે.

ગાબા ખાતે કાંગારૂઓ સામે સાત વિકેટ લઈને વેસ્ટ ઈન્ડિઝને 27 વર્ષ પછી ઓસ્ટ્રેલિયામાં વેસ્ટઈન્ડિઝને જીત અપાવનાર શમર જોસેફ પહેલા તે મજૂરી કામ કરતો હતો ત્યારબાદ તે સિક્યોરિટી ગાર્ડ તરીકે પણ કામ કરતો હતો તેના માટે ક્રિકેટર બનવું ખુબજ મુશ્કેલ હતું પણ જે સખત મહેનત કરે છે તે ક્યારેય હારતો નથી અને આવું જ શમર જોસેફ સાથે થયું હતું.

શમાર જોસેફ પાસે શરૂઆતમાં ક્રિકેટ રમવા બોલ પણ નહોતો, તે જામફળ અને લીંબુથી બોલિંગની પ્રેક્ટિસ કરતો હતો.

આમ, શમર જોસેફને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યુ કરતા પહેલા ઘણા સંઘર્ષનો સામનો કરવો પડ્યો હતો.

શમર જોસેફનો જન્મ 31 ઓગસ્ટ 1999ના રોજ બારાકરા, ગયાનામાં થયો હતો.

તેના ગામમાં 2018 સુધી ઇન્ટરનેટ નહોતુ,શમારે જૂની મેચોની હાઈલાઈટ્સ જોઈને પોતાની બોલિંગને વધુ મજબૂત બનાવી હતી.

વેસ્ટ ઈન્ડિઝના ભૂતપૂર્વ મહાન ખેલાડી કર્ટલી એમ્બ્રોઝ અને કર્ટની વોલ્શ શમર જોસેફના આદર્શ છે અને શમાર તેમની જ જૂની મેચો જોઈને જોઈને જ તોફાની બોલર બની ગયો.

જોકે, શમર જોસેફ માટે પ્રોફેશનલ ક્રિકેટર બનવું બિલકુલ સરળ ન હતું. શમર ખૂબ જ ગરીબ પરિવારમાંથી છે. આવી સ્થિતિમાં આર્થિક સંકડામણના કારણે તેને બાળપણથી જ પિતા સાથે કામ કરવું પડ્યું.

શમારે મજૂર તરીકે કામ કર્યું અને પછી સુરક્ષા ગાર્ડ તરીકે પણ કામ કર્યું, જેથી તે તેના પરિવારને આર્થિક સંકટમાંથી બહાર કાઢી શકે.
શમર જોસેફ એક કંપનીમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતો હતો. જ્યાં તેને 12 કલાક કામ કરવું પડતું હતું. આવી સ્થિતિમાં તેનું ક્રિકેટર બનવાનું સપનું જતું રહ્યું હતું.

આ સમયે તેના જીવનમાં એક છોકરી આવી અને જેણે તેનું આખું જીવન બદલી નાખ્યું.
શમારે તેની ગર્લફ્રેન્ડ સાથે સગાઈ કરી લીધી અને પછી તેણે સિક્યોરિટી ગાર્ડની નોકરી છોડીને ક્રિકેટ પર ધ્યાન આપવાનું શરૂ કર્યું.

જોકે, આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં આવવું એટલું સરળ ન હતુ,આ માટે શમરને વેસ્ટ ઈન્ડિઝના ઓલરાઉન્ડર રોમારિયો શેફર્ડે મદદ કરી હતી, જે તેનો મિત્ર પણ છે.
શેફર્ડે જ શમરને ગયાના ક્રિકેટ ટીમના મુખ્ય કોચ અને કેપ્ટન સાથે પરિચય કરાવ્યો હતો.
આ પછી, ક્લબ ક્રિકેટમાં તેના શાનદાર પ્રદર્શનને કારણે, શમર જોસેફને ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રમવાની તક મળી.

ત્યારબાદ શમારે પાછું વળીને જોયું નથી અને શાનદાર પ્રદર્શન કરવાનું ચાલુ રાખ્યું હતું.
આ પછી તેને વેસ્ટ ઈન્ડિઝની ટેસ્ટ ટીમમાં તક મળી, જ્યાં તેણે ઈતિહાસ રચ્યો. શમારે ગાબા ટેસ્ટમાં સાત વિકેટ લઈને ઈતિહાસમાં પોતાનું નામ અમર કરી દીધું છે અને આજે તે ક્રિકેટની દુનિયામાં રાતોરાત જાણીતો ચહેરો બની ગયો છે.