ભારતની પ્રાચીન સંસ્કૃતિની ધરોહર સમા રામાયણ અને ભગવાન રામનો વારસો યુગો યુગો સુધી આવનારી પેઢીમાં જળવાઈ રહે તે માટે વિદેશમાં પણ ભારતીય સમાજ દ્વારા સુંદર પ્રયાસો થઈ રહયા છે ત્યારે ભારતમાં અયોધ્યામાં ભગવાન શ્રી રામના ઐતિહાસિક મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા બાદ હવે ઓસ્ટ્રેલિયાના પર્થ શહેરમાં પણ રામ મંદિરનું નિર્માણ થવા જઈ રહ્યું છે.
ઓસ્ટ્રેલિયાના પર્થ શહેરમાં શ્રીરામ વૈદિક એન્ડ કલ્ચરલ ટ્રસ્ટ દ્વારા150 એકર જમીન પર 600 કરોડ રૂપિયાના ખર્ચે 721 ફૂટની ઊંચાઈ ધરાવતા વિશ્વના સૌથી ઊંચા રામ મંદિરનું નિર્માણ કરવામાં આવનાર છે.
ભગવાન શ્રી રામમંદિર પરિસરમાં હનુમાન વાટિકા, સીતા વાટિકા, જટાયુ બાગ, શબરી વન, જામવંત સદન, નલ નીલ ટેકનિકલ અને ગુરુ વશિષ્ઠ નોલેજ સેન્ટર ઉપરાંત ચિત્રકૂટ વાટિકા, પંચવટી વાટિકા ગાર્ડન, રામ નિવાસ હોટલ સહિત મંદિરના પ્રાંગણમાં સીતા રસોઈ રેસ્ટોરન્ટ, રામાયણ સદન લાઇબ્રેરી અને તુલસીદાસ હોલ પણ તૈયાર કરવામાં આવનાર છે,મંદિરના નિર્માણમાં ‘ઝીરો કાર્બન ફૂટપ્રિન્ટ’નું ખાસ ધ્યાન રાખવામાં આવશે. બાયો-સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને સોલાર એનર્જી પ્લાન્ટનો પણ પ્રોજેક્ટમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
એટલુંજ નહિ પણ ભગવાન શ્રી રામ મંદિર પરિસરમાં 55 એકર જમીન પર સનાતન વૈદિક યુનિવર્સિટી પણ બનાવવામાં આવશે,જેમાં યોગ કોર્ટ, મેડિટેશન કોર્ટ, વેદ લર્નિંગ સેન્ટર, રિસર્ચ સેન્ટર અને મ્યુઝિયમ પણ હશે.
ઉપરાંત હનુમાન વાટિકામાં શ્રીરામભક્ત શ્રીહનુમાનજીની 108 ફૂટ ઊંચી પ્રતિમાની સ્થાપના કરવામાં આવશે. મંદિરમાં શિવ સપ્ત સાગર નામનું તળાવ બનાવવામાં આવશે જેમાં ભગવાન શિવજીની 51 ફૂટની પ્રતિમાની સ્થાપના કરવામાં આવશે.
આમ,વિદેશમાં મૂળ ભારતીય સમુદાયની આવનારી પેઢીમાં ભારતીય સંસ્કૃતિની ભાવના ભાવના જળવાઈ રહે તે માટે આ ખૂબીજ સરાહનીય કામગીરી થઈ રહી છે અને વિશ્વભરમાં ભગવાન રામનો અમૂલ્ય વારસો જીવંત રહે તેવા પ્રયાસોને ઠેરઠેર આવકાર મળી રહ્યો છે.
શ્રી રામ વૈદિક અને સાંસ્કૃતિક ટ્રસ્ટનુ એક પ્રતિનિધિમંડળ પર્થથી શ્રી રામ મંદિરના દર્શન કરવા માટે અયોધ્યા આવશે,પ્રતિનિધિમંડળનું દિલ્હી પહોંચતા આ યાત્રાનું સ્વાગત કરવામાં આવશે.