પાકિસ્તાની વાયુસેનાએ આજે ગુરુવારે વહેલી સવારે ઈરાનની સરહદમાં ઘૂસીને કથિત આતંકવાદી ઠેકાણાઓ પર હુમલો કર્યો હતો.
આ આતંકવાદી ઠેકાણા બલૂચ બળવાખોરોના હતા, જેઓ પાકિસ્તાનમાં વોન્ટેડ હતા.
આ હુમલામાં સાત લોકોના મોત થયાના અહેવાલ છે.
ઇરાને બલૂચિસ્તાનમાં કરેલી એર સ્ટ્રાઈક બાદ વળતા હુમલામાં પાકિસ્તાને એર સ્ટ્રાઈક કરી છે, મહત્વનુ છે કે ઈરાની એરફોર્સે પાકિસ્તાનની સરહદ પર આતંકવાદી સંગઠન જૈશ અલ-અદલના બે અડ્ડાઓ પર હુમલો કરતા પાકિસ્તાને આ અંગે સખત નારાજગી વ્યક્ત કરી હતી અને જવાબી કાર્યવાહીની ચેતવણી પણ આપી હતી અને તેના જવાબ રૂપે પાકિસ્તાન દ્વારા ઈરાનમાં એર સ્ટ્રાઈક કરી હતી.
આ અંગે પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે એક સત્તાવાર નિવેદન જારી કરીને જણાવ્યુ છે કે, ‘આજે સવારે પાકિસ્તાને ઈરાનના સિસ્તાન-ઓ-બ્લોચિસ્તાન પ્રાંતમાં આતંકવાદી ઠેકાણાઓ પર સૈન્ય હુમલો કર્યો. આ કાર્યવાહીમાં ઘણા આતંકવાદીઓ માર્યા ગયા છે.
ગુપ્ત માહિતીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી.
પાકિસ્તાની વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, ‘અમે છેલ્લા ઘણા સમયથી આ અંગે ઈરાન સાથે વાત કરી રહ્યા હતા.
ઈરાનનો બિન-પ્રશાસિત વિસ્તાર કેવી રીતે આતંકવાદીઓ માટે આશ્રયસ્થાન બની ગયો તે અંગે સતત ઈરાન સમક્ષ પોતાની ચિંતા વ્યક્ત કરી હતી. પાકિસ્તાને ઈરાનને ઘણી વખત આ અંગે ડોઝિયર પણ સોંપ્યું હતુ, તેમજ આતંકવાદી ગતિવિધિઓના ઘણા પુરાવા પણ આપવામાં આવ્યા હતા.
બીજી તરફ ઈરાની મીડિયાના અહેવાલ મુજબ આ હુમલામાં સાત લોકો માર્યા ગયા છે.
મૃત્યુ પામેલા સાત લોકોમાં ત્રણ મહિલાઓ અને ચાર બાળકોનો સમાવેશ થાય છે.
આ લોકો પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા મિસાઈલ હુમલામાં માર્યા ગયા હતા.
પાકિસ્તાને ગુરુવારે સવારે લગભગ 4.50 વાગ્યે ઈરાનમાં હવાઈ હુમલો કર્યો હતો.
પાકિસ્તાની હવાઈ હુમલા બાદ ઈરાનના સરહદી ગામોમાં વિસ્ફોટના અનેક અવાજો સંભળાયા હતા. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ એક મુશ્કેલ ઓપરેશન હતું, જેને પાકિસ્તાની વાયુસેનાએ શાનદાર રીતે અંજામ આપ્યો હતો અને આ ઓપરેશન પાકિસ્તાની સૈન્ય દળોની વ્યાવસાયિકતાનો પુરાવો છે.
આ હવાઈ હુમલાનો આદેશ પાકિસ્તાનના જોઈન્ટ સ્ટાફ હેડક્વાર્ટરથી આપવામાં આવ્યો હતો. જેને પાકિસ્તાન સરકારે મંજૂરી આપી હતી.
પાકિસ્તાની વાયુસેનાના લડાકુ વિમાનોએ પાકિસ્તાની એરસ્પેસમાંથી જ ઈરાન સાથેની સરહદ પર સ્થિત આતંકવાદી ઠેકાણાઓ પર હુમલો કર્યો હતો, આ હુમલો ઈરાનની સરહદની અંદર 80 કિલોમીટર અંદર થયો હતો.
ઈરાનના હવાઈ હુમલા બાદ પાકિસ્તાનના વિદેશ મંત્રી જલીલ અબ્બાસ જિલાનીએ કહ્યું હતું કે પાકિસ્તાનના વિદેશ મંત્રીએ બુધવારે ઈરાનના વિદેશ મંત્રી સાથે ફોન પર વાત કરી હતી અને તેમને કહ્યું હતું કે 16 જાન્યુઆરીએ પાકિસ્તાનની સરહદમાં કરવામાં આવેલો હુમલો પાકિસ્તાનના માત્ર સાર્વભૌમત્વ પર હુમલો નથી, પણ તે આંતરરાષ્ટ્રીય કાયદાઓનું ઉલ્લંઘન પણ છે અને પાકિસ્તાન અને ઈરાન વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોની વિરુદ્ધ પણ છે.
પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે એક નિવેદન જારી કરીને કહ્યું કે વિદેશ મંત્રીએ ઈરાનના વિદેશ મંત્રીને કહ્યું કે હવાઈ હુમલાથી બંને દેશોના સંબંધોને ગંભીર નુકસાન પહોંચ્યું છે. પાકિસ્તાનને આ ઉશ્કેરણીજનક કાર્યવાહીનો જવાબ આપવાનો અધિકાર છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ‘આ ક્ષેત્રના તમામ દેશો આતંકવાદ સામે સંઘર્ષ કરી રહ્યા છે અને તેની સાથે વ્યવહાર કરવા માટે એકસાથે સંકલિત રીતે પગલાં લેવાની જરૂર છે.’
પાકિસ્તાની વિદેશ મંત્રીએ ચેતવણી આપી હતી કે ‘એકપક્ષીય કાર્યવાહીથી પ્રાદેશિક શાંતિ જોખમાઈ શકે છે.’ કોઈપણ દેશે આ ખતરનાક માર્ગ અપનાવવો જોઈએ નહીં. આનાથી બંને દેશો વચ્ચેના સંબંધો વણસ્યા છે અને પાકિસ્તાને ઈરાનના રાજદૂતને હાંકી કાઢ્યા છે અને ઈરાનમાંથી પોતાના રાજદૂતને પણ પાછા બોલાવ્યા છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર પાકિસ્તાને એર સ્ટ્રાઈક કરને ઈરાન સામે જવાબી કાર્યવાહી કરી છે.