ઓસ્ટ્રેલિયામાં વધુ એક ભારતીય યુવકનું મોત થવાની ઘટના પ્રકાશમાં આવી છે.
વિગતો મુજબ હરિયાણાના કરનાલના કૈમલા ગામનો યુવક ઓસ્ટ્રેલિયામાં દરિયામાં ડૂબી ગયાના અહેવાલ છે, બચાવ ટીમે ભારે જહેમત બાદ યુવકનો મૃતદેહ બહાર કાઢ્યો છે. આ બનાવની જાણ થતાં યુવકના પરિવારજનોમાં શોકનું મોજુ ફરી વળ્યું છે, મૃતક સાહિલ નામનો યુવક લગભગ 7 વર્ષથી ઓસ્ટ્રેલિયામાં રહેતો હતો.
કૈમલા ગામનો રહેવાસી સાહિલ તેના મિત્રો સાથે વિક્ટોરિયા બીચ પર દરિયામાં નહાવા ગયો હતો.
દરમિયાન તેના ચશ્મા દરિયામાં પડતા તે તેને લેવા માટે નીચે ઝૂક્યો હતો ત્યારે પાણીના જોરદાર પ્રવાહમાં તેણે પોતાનું સંતુલન ગુમાવ્યું હતું અને તે દરિયામાં ડૂબવા લાગ્યો હતો.
તેના મિત્રોએ પણ તેને બચાવવાના ઘણા પ્રયાસ કર્યા હતા,પરંતુ, તેને બચાવી શક્યા ન હતા અને તે ડૂબી ગયો હતો.
ઘટનાની જાણ થયા બાદ સ્થળ ઉપર પહોંચેલી ઓસ્ટ્રેલિયન પોલીસે હેલિકોપ્ટર દ્વારા બચાવ કામગીરી શરૂ કરી હતી પણ ધુમ્મસ અને અંધકારને કારણે સાહિલનો કોઈ પત્તો લાગ્યો ન હતો ત્યારબાદ જારી રહેલી તપાસમાં
સાહિલનો મૃતદેહ દરિયાના બીજા છેડે મળી આવતા પોલીસે ડાઇવર્સની મદદથી યુવકનો મૃતદેહ બહાર કાઢ્યો હતો અને તેને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો.
યુવકના મોતના સમાચાર તેના ગામમાં પહોંચતા જ પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો અને પરિવારની હાલત કફોડી બની ગઈ હતી.
27 વર્ષનો સાહિલ 2016માં સ્ટડી વિઝા પર ઓસ્ટ્રેલિયા ગયો હતો. તે મેલબોર્નમાં એક ફર્નિચર કંપનીમાં કામ કરતો હતો.
તેને 2 વર્ષ પહેલા કાયમી નાગરિકતા મળી હતી,તેણે વર્ષ 2020માં અનુ નામની છોકરી સાથે લગ્ન કર્યા હતા અને 2022માં સાહિલ તેની પત્ની અનુને સાથે લઈને ઓસ્ટ્રેલિયા ગયો હતો જ્યાં તેનું આ રીતે દરિયામાં ડૂબી જતાં અરેરાટી ફેલાઈ ગઈ છે. સાહિલના મૃતદેહને ભારત લાવવામાં લગભગ 7 થી 10 દિવસનો સમય લાગી શકે છે.