કેનેડામાં છેલ્લા ઘણા સમયથી એકબાદ એક રહસ્યમયી રીતે ગુજરાતી વિદ્યાર્થીઓના ગુમ થવાની ઘટનાઓ બની રહી છે ત્યારે ગુજરાતના સુરતનો વધુ એક વિદ્યાર્થી ગુમ થઈ જતા ભારે ચકચાર ફેલાઈ ગઈ છે.
ગુજરાતથી કેનેડા ખાતે અભ્યાસ કરવા ગયેલો 25 વર્ષનો કરણ પટેલ નામનો યુવક અચાનક ગાયબ થઈ ગયો છે.
વિગતો મુજબ મૂળ સુરતના અડાજણનો વતની અને કેનેડાના કિચનર ટાઉનમાં રહેતો કરણ પટેલ ગઈ તારીખ 3 જાન્યુઆરી, 2024એ તેના રૂમ ઉપરથી કોલેજ જવાનું જવા નીકળ્યો હતો, ત્યારબાદ તે પરત ફર્યો નથી.
પોલીસની પ્રારંભિક તપાસમાં તેનું છેલ્લું મોબાઈલ લોકેશન ડેટાના આધારે નાયગ્રા ફોલ્સ વિસ્તારની નજીક જણાયું હતુ ત્યારપછી કોઈ કડી મળી નથી.
તેના રૂમમેટ્સ પણ તે કોલેજ જવા નીકળ્યો હતો તેટલુંજ ખબર છે બાકી તેઓ પણ અજાણ હતા.
કેનેડામાં પોતાનો વ્હાલસોયો દીકરો ગુમ થવાની વાતથી ગુમસુદા કરણ પટેલના પરિવાર ઉપર જાણે આભ તૂટી પડ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે કેનેડામાં છેલ્લાં બે વર્ષથી ભારતીય, ખાસ કરીને ગુજરાતી યુવાનોના અચાનક જ ગુમ થવાના બનાવો વધી ગયા છે, જે પૈકી અગાઉ પણ ઘણા યુવાનોના મૃતદેહ મળ્યા હતા,જ્યારે અમુક યુવકોના હજીપણ કોઈ સગડ મળ્યા નથી, જેમાં વધુ એકનો ઉમેરો થતા કેનેડામાં રહેતા ગુજરાતી પરિવારોમાં ભારે ચિંતા પ્રસરી ગઈ છે.
આમ,ગુજરાતમાંથી કેનેડા જતા વિદ્યાર્થીઓ આખરે કેમ આ પ્રકારે ગુમ થઈ રહયા છે તે વાત ભારે ચર્ચાસ્પદ બની છે આવા સમયે અન્ય વિદ્યાર્થીઓના વાલીઓ પણ ચિંતિત બન્યા છે.