ગેંગસ્ટર ગોલ્ડી બ્રારની મુશ્કેલીઓ વધી છે, કેન્દ્ર સરકારે તેને આતંકવાદી જાહેર કર્યો છે.
મૂળ પંજાબના ગોલ્ડી બ્રાર હાલ કેનેડામાં રહે છે.
બ્રાર પંજાબી ગાયક સિદ્ધુ મૂઝવાલાની હત્યાનો માસ્ટરમાઇન્ડ છે.સરકારે આતંકવાદ વિરોધી કાયદા હેઠળ આ પગલું ભર્યું છે.
બ્રારને લોરેન્સ બિશ્નોઈ ગેંગના મુખ્ય સભ્ય તરીકે પણ ઓળખવામાં આવે છે.
ગોલ્ડી પંજાબના શ્રી મુક્તસર સાહિબનો રહેવાસી છે.હાલમાં તે કેનેડાના બ્રેમ્પટનમાં રહે છે,કેન્દ્ર સરકારે આ અંગે નોટિફિકેશન બહાર પાડ્યું છે.
આતંકવાદી જાહેર થયા બાદ હવે ગોલ્ડી પરથી સામાન્ય ગુનેગારનો ટેગ હટાવી દેવામાં આવ્યો છે.
તે હવે ગંભીર ગુનાઓની શ્રેણી હેઠળ આતંકવાદી શ્રેણીમાં આવ્યો છે.
તેનો સ્પષ્ટ અર્થ છે,જેને આતંકવાદી જાહેર કરવામાં આવે તે હવે કોઈ દેશનો રહ્યો નથી,જે દેશમાં તે પકડાયો છે તેના પર તેને ભારતને સોંપવા માટે આંતરરાષ્ટ્રીય દબાણ લાવી શકાય છે.
હવે ગોલ્ડી બ્રાર શક્ય તેટલી વહેલી તકે કેનેડાથી બીજે ક્યાંક જવાનો પ્રયાસ કરશે.
આ રીતે સરકારે માત્ર એક પગલાથી બ્રારની મુશ્કેલીઓમાં અનેકગણો વધારો કર્યો છે.

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આ અંગે એક નોટિફિકેશન બહાર પાડ્યું છે. જેમાં કહ્યું કે, સતીન્દરજીત સિંહ ઉર્ફે ગોલ્ડી બ્રાર, જેને પાકિસ્તાન સ્થિત એજન્સી પાસેથી મદદ મળી રહી છે, તે ઘણી હત્યાઓમાં સામેલ છે.
તે કટ્ટરવાદી વિચારધારા ફેલાવે છે. ગોલ્ડી વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર રાષ્ટ્રવાદી નેતાઓને ધમકીભર્યા ફોન કરવા,ખંડણીની માંગણી અને હત્યાની જવાબદારી પણ સ્વીકારી રહ્યો છે.

પ્રતિબંધિત બબ્બર ખાલસા ઈન્ટરનેશનલ સાથે સંકળાયેલા બ્રાર હત્યાને અંજામ આપવા માટે સરહદ પારથી ડ્રોન દ્વારા આધુનિક હથિયારો, દારૂગોળો અને વિસ્ફોટક સામગ્રીની દાણચોરીમાં પણ સામેલ છે. તે ‘શાર્પશૂટર’ પણ પ્રદાન કરતો રહ્યો છે. બ્રાર અને તેના સહયોગીઓ પંજાબમાં તોડફોડ,આતંકવાદી મોડ્યુલને પ્રોત્સાહન, લક્ષ્યાંકિત હત્યાઓ અને અન્ય રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓ સહિતની નાપાક યોજનાઓ દ્વારા પંજાબમાં શાંતિ, સાંપ્રદાયિક સૌહાર્દ અને કાયદો અને વ્યવસ્થાને ખલેલ પહોંચાડવાનું કાવતરું ઘડી રહ્યો છે.
ઇન્ટરપોલે તેની સામે રેડ કોર્નર નોટિસ જાહેર કરી છે. તેની સામે બિનજામીનપાત્ર વોરંટ પણ છે.

કેન્દ્ર સરકારનું માનવું છે કે સતવિંદર સિંહ ઉર્ફે સતીન્દરજીત સિંહ ઉર્ફે ગોલ્ડી બ્રાર આતંકવાદી પ્રવૃત્તિઓમાં સામેલ છે,આથી, તેને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ (પ્રિવેન્શન) એક્ટ (UAPA), 1967 હેઠળ આતંકવાદી જાહેર કરવામાં આવ્યો છે,તેણે 29 મે, 2022ના રોજ લોકપ્રિય પંજાબી ગાયક મૂઝવાલાની હત્યાની જવાબદારી સ્વીકારી હતી.
ગોલ્ડી બ્રારને આતંકવાદી જાહેર કર્યા બાદ કેનેડા પર પગલાં લેવા દબાણ કરવામાં આવ્યું છે.
નોટિફિકેશનમાં સરકારે સ્પષ્ટપણે જણાવ્યું છે કે મૂળ પંજાબના બ્રાર હાલમાં કેનેડામાં રહે છે.
હવે કેનેડા પણ આ સ્થિતિમાં અટવાઈ ગયું છે,તે એમ ન કહી શકે કે બ્રાર કોઈ અન્ય દેશના રહેવાસી છે, તેથી તેને ભારતને સોંપશે નહીં.
આનાથી બ્રારને સોંપવા માટે કેનેડા પર દબાણ આવશે.