પાકિસ્તાનમાં આગામી સામાન્ય ચૂંટણીઓમાં આ વખતે ટ્રાન્સજેન્ડર સમુદાયમાંથી સોબિયા ખાન પેશાવરથી ચૂંટણી લડી રહી છે.

મહત્વનું છે પાકિસ્તાનમાં ટ્રાન્સજેન્ડર સમુદાય માટે ખાસ કરીને ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં આ સમુદાયના સભ્યો વિરુદ્ધ અગાઉ ઘણી વખત હિંસાના બનાવો બન્યા છે.
સોબિયા ગ્રેજ્યુએટ છે અને લાંબા સમયથી પાકિસ્તાનમાં તેના સમુદાય માટે લડત ચલાવી રહી છે.
આ વખતે સમગ્ર દેશની નજર તેમના થકી લડાઈ રહેલી ચૂંટણી પર છે.

પેશાવરની રહેવાસી સોબિયા તેના મતવિસ્તાર PK-84માંથી ચૂંટણી લડનાર પ્રથમ ટ્રાન્સજેન્ડર બની છે. તેમણે પ્રાંતીય વિધાનસભા માટે ઉમેદવારી નોંધાવી છે.

સોબિયા ખાને જિયો ન્યૂઝને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું કે ટ્રાન્સજેન્ડર હોવા છતાં અને ગ્રેજ્યુએશનની ડિગ્રી હોવા છતાં તે લાંબા સમયથી બેરોજગાર છે.

સોબિયા કહે છે કે જો તે ચૂંટણી જીતશે તો તે મહિલાઓ ઉત્થાન માટે કામ કરશે અને ખાસ કરીને એવી મહિલાઓ માટે કામ કરશે કે તેઓને ઘરબેઠા રોજગારી મળી રહે તેવી વ્યવસ્થા કરશે, જેથી તેઓ કામ સાથે સાથે ઘરે બેસીને પોતાના બાળકોનો ઉછેર પણ કરી શકે.

સોબિયાએ તેના સમુદાયનું પ્રતિનિધિત્વ કરવા પેશાવર હાઈકોર્ટમાં કેસ પણ દાખલ કર્યો છે, જેમાં પાકિસ્તાનની રાષ્ટ્રીય અને પ્રાંતીય એસેમ્બલીઓમાં અનામત બેઠકો પર ટ્રાન્સજેન્ડર માટે અલગ પ્રતિનિધિત્વની માંગણી કરવામાં આવી છે.

સોબિયા કહે છે કે તેમના પાકિસ્તાનમાં રાષ્ટ્રીય અને પ્રાંતીય એસેમ્બલીઓમાં ધાર્મિક લઘુમતીઓ માટે સીટો આરક્ષિત છે. જોકે, તેમનો સમુદાય પણ નબળો અને લઘુમતી છે, તેથી તેમને પણ બેઠકો મળવી જોઈએ.