આજે ભારતની પ્રાચીન નગરી અયોધ્યામાં દિલ્હીથી અયોધ્યાની પ્રથમ કોમર્શિયલ ફ્લાઈટ શનિવારે મહર્ષિ વાલ્મીકિ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતરશે. પાયલોટ ઇન કમાન્ડ કેપ્ટન આશુતોષ શેખર તેની સાથે આવશે. ખાસ વાત એ છે કે આશુતોષ શેખરનો પરિવાર ઘણી પેઢીઓથી અયોધ્યાના શ્રી રામવલ્લભકુંજ જાનકી સ્થળનો અનુયાયી છે. આ ફ્લાઈટ દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી બપોરે 2:40 કલાકે ઉપડશે અને સાંજે 4:00 કલાકે અયોધ્યા પહોંચશે.
એવું માનવામાં આવે છે કે લંકા પર વિજય મેળવ્યા પછી, પહેલું વિમાન ‘પુષ્પક’ રામચંદ્રજીને લઈને અયોધ્યાની ધરતી પર ઉતર્યું હતું અને હવે ઈન્ડિગોનું પહેલું વિમાન શનિવારે તેમના ભક્તોને લઈને ઉતરશે.
રામ મંદિરના નિર્માણ બાદ અહીં આવનારા દેશ-વિદેશના શ્રદ્ધાળુઓ માટે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ તૈયાર છે જેનું ઉદ્ઘાટન વડાપ્રધાન મોદી આજે તા. 30 ડિસેમ્બરે ઉદ્ઘાટન કરશે આ સિવાય નવી ટ્રેનો સાથે નવું રેલવે સ્ટેશન અને આધુનિક બસ સ્ટેશનનું પણ વડાપ્રધાન લોકાર્પણ કરનાર છે.
દેશ વિદેશથી અયોધ્યા આવતા શ્રદ્ધાળુઓ અને મુસાફરોને અહીં અવવામાં સરળતા રહે તે માટે એરપોર્ટ સહિત આધુનિક રેલ્વે સ્ટેશન તેમજ વન્દે ભારત સહિતનો આધુનિક ટ્રેન વ્યવહાર ઉપરાંત આંતરરાજ્ય બસ સ્ટેન્ડ એટલે કે ISBTની ભેટ મળી રહી છે.
બસ સ્ટેન્ડનું પણ આંતરરાષ્ટ્રીય માપદંડોને આધારે બ્યુટીફિકેશન કરવામાં આવ્યું છે.
અહીં અન્ય રાજ્યોમાંથી આવતા મુસાફરો માટે જરૂરી તમામ સુવિધાઓ ઉપલબ્ધ રહેશે.
પરિવહનની સુવિધા માટે, પેસેન્જર હેલ્પ સેન્ટર્સ, રાત્રી આશ્રયસ્થાનો અને વેઇટિંગ રૂમ જેવી સુવિધાઓ વિકસાવવામાં આવી છે. ઉત્તર પ્રદેશ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (UPSRTC)ના અધિકારીઓને ટાંકીને અહેવાલમાં જણાવાયું છે કે આગરા જેવા મુખ્ય પ્રવાસન સ્થળોથી અયોધ્યા પહોંચવા માટે વિશેષ બસ સેવાઓ પણ શરૂ કરવામાં આવી છે. સરકારી સિવાય ખાનગી બસોની મદદથી પણ અયોધ્યા પહોંચી શકાય છે.
અયોધ્યામાં રામ મંદિરના ઉદ્ઘાટનને એક મહિનાથી પણ ઓછો સમય બાકી છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે ઉત્તર પ્રદેશ માટે રૂ. 15,700 કરોડના વિકાસ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરવા માટે રામ મંદિર નગરમાં હશે. તેમાં અયોધ્યા માટે રૂ. 11,100 કરોડના પ્રોજેક્ટનો પણ સમાવેશ થાય છે. પ્રધાનમંત્રી અન્ય વસ્તુઓની સાથે નવા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ, નવી ગ્રીનફિલ્ડ ટાઉનશિપ, એક રેલ્વે સ્ટેશન અને ચાર રૂટનું અનાવરણ કરશે.
સવારે 11.15 વાગ્યે બે નવી અમૃત ભારત ટ્રેન અને છ નવી વંદે ભારત ટ્રેનોને ફ્લેગ ઓફ કરશે. બપોરે લગભગ 12.15 વાગ્યે, પીએમ નવનિર્મિત અયોધ્યા એરપોર્ટનું ઉદ્ઘાટન કરશે, જેનું નામ મહર્ષિ વાલ્મિકી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ હશે. પીએમ બપોરે 1 વાગ્યે એક જાહેર સભાને સંબોધિત કરશે અને પછી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. મંદિરમાં પ્રવેશ વધારવા માટે, મોદી ચાર નવા પુનર્વિકાસિત રસ્તાઓ – રામપથ, ભક્તિપથ, ધરમપથ અને શ્રી રામ જન્મભૂમિ પથનું ઉદ્ઘાટન કરશે.