પ્રદુષણના કારણે બાળકોને વ્યક્તિગત ઇજા ન થાય તે જોવાની જવાબદારી સરકારની -કોર્ટનો ચુકાદો
ઓસ્ટ્રેલિયાની સરકાર સામે પર્યાવરણને થઇ રહેલાં નુકસાન અને વધી રહેલા પ્રદુષણના મુદ્દે ભારતીય મૂળની એક ૧૭ વર્ષિય વિદ્યાર્થીની કોર્ટમાં કાનૂની જંગે ચઢતા સમગ્ર દેશમાં ચકચાર મચી જવા પામી છે. ઓસ્ટ્રેલિયાની ફેડરલ કોર્ટે એવો ચુકાદો આપ્યો હતો કે ક્લાઇમેટ ચેન્જના કારણે ભવિષ્યમાં બાળકોને થનારી કોઇપણ પ્રકારની વ્યક્તિગત ઇજા સામે રક્ષણ પૂરું પાડવાની જવાબદારી સરકારની છે.
કોર્ટના આ ચુકાદાથી ઓસીઝ સરકાર ભારે મૂંઝવણમાં મૂકાઇ ગઇ છે. તેથી સોમવારથી તેણે આવી પડેલા આ કાનૂની પડકારનો સામનો કરવાનું શરુ કરી દીધું હતું.
ગત મે મહિનામાં મેલબોર્નમાં રહેતી ભારતીય મૂળની ૧૭ વર્ષિય અંજલિ શર્મા અને અન્ય સાત ટીનએજના પર્યાવરણવિદ વિદ્યાર્થીઓએ ઓસ્ટ્રેલિયન સરકાર સામેના કાનૂની જંગની આગેવાની લીધી હતી. શર્મા અને તેની સાથે રહેલા વિદ્યાર્થીઓના જૂથે એવી દલીલ કરી હતી કે વાતાવરમમાં અવિરતપણે છોડવામાં આવતા કાર્બન ડાયોક્સાઇડના કારણે દાવાનળ લાગવાનું પ્રમાણ વધ્યું છે, નદીઓમાં પૂર વધ્યા છે, સમુદ્રમાં તોફાની વાવાઝોડાની સંખ્યા વધી છે, જેના કારણે બાળકો વ્યક્તિગત ઇજા, માંદગી, આર્થિક નુસકાન અને ઘણા કિસ્સાઓમાં મોતનો ભોગ બને છે એમ ઓસ્ટ્રેલિયાની ન્યૂઝ ડોટ કોમ નામની વેબસાઇટ ઉપર પ્રસિદ્ધ થયેલા અહેવાલમાં કહ્યું હતું.
આ વિદ્યાર્થીઓએ પોતાની અરજીમાં ઉત્તર ન્યૂસાઉથ વેલ્સમાં આવેલી કોલસાની ખાણનું વિસ્તરણ કરવા માટે આવેલી દરખાસ્તને મંજૂરી આપતા કેન્દ્રિય મંત્રી સુઝન લેને અટકાવવા દાદ માંગી હતી. તેઓના મતાનુસાર આ કોલસાની ખાણના વિસ્તરણને મંજૂરી આપવામાં આવશે તો વ્યાપક પ્રમાણમાં હવાનું પ્રદુષણ ફેલાશે.
કોર્ટના જજ મોર્ડેકેઇ બ્રોમબર્ગે પોતાના ચુકાદામાં કોલસાની ખાણના વિસ્તરને મંજૂર રાખ્યું હતું પરંતુ તે સાથે એમ પણ ઠરાવ્યું હતું કે જ્યારે મંત્રી કોલસાની ખાણના વિસ્તરણને મંજૂરી આપે ત્યારે દેશના બાળકોને વ્યક્તિગત ઇજા ન તાય તે બાબત પણ તેમણે સુનિશ્ચિત કરવાની રહેશે.
કોર્ટે પરોક્ષ રીતે એમ કહી દીધું હતું કે પ્રદુષણના કારણે બાળકોને વ્યક્તિ રીતે ઇજા ન થાય જે જોવાની જવાબદારી ફેડરલ ગવર્મેન્ટની રહેશે. આ ચુકાદાના કારણે સમગ્ર દેશમાં ચકચાર મચી ગઇ હતી અને દેશના તમામ અગ્રણી અખબારોમાં તે હેડલાઇન બન્યો હતો કેમ કે આ કેસમાં કેન્દ્ર સરકારની સામે બાલકોનો વિજય થયો હતો. જો કે આ ચુકાદા બાદ કેન્દ્રિય મંત્રીએ લે એ કોલસાની ખાણના વિસ્તરણને મંજૂરી આપી દીધી હતી.