ભારતની રાજધાની દિલ્હીમાં ઇઝરાયેલ એમ્બેસી નજીક થયેલા વિસ્ફોટ બાદ અહીં સુરક્ષા વધારી દેવામાં આવી છે,જોકે આ બ્લાસ્ટમાં કોઈને ઇજા કે નુકશાન થયા હોવાની કોઈ પુષ્ટિ થઈ નથી.
દિલ્હીના ચાણક્યપુરીમાં ઇઝરાયલી દૂતાવાસ નજીક ઓછી તીવ્રતાના બ્લાસ્ટના મામલામાં થયેલી તપાસમાં જણાયું છે કે જે જગ્યાએ વિસ્ફોટ થયો હતો ત્યાં લગાવેલા સીસીટીવીમાં બે શંકાસ્પદ દેખાઈ રહ્યા છે જેની તપાસ ચાલુ છે.
આ ઘટનાના થોડા સમય પહેલાજ બે યુવકોને રસ્તા પર ચાલતા જતા જણાયા છે.
દરમિયાન NIA અને NSGની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. પોલીસ નજીકના CCTVની તપાસ કરી રહી છે.
આ ઘટના બાદ દિલ્હી પોલીસે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં સુરક્ષા વધારી દીધી છે.

બીજી તરફ જ્યાં બ્લાસ્ટ થયો તે સ્થળ પાસેથી ઈઝરાયેલ એમ્બેસીના રાજદૂતને સંબોધિત એક ટાઈપ કરેલો અને ઇઝરાયેલના ધ્વજમાં લપેટાયેલો પત્ર મળ્યો હતો.
સૂત્રોએ જણાવ્યું કે અંગ્રેજીમાં લખેલા પત્રમાં ઈઝરાયેલની કાર્યવાહીની વાત કરવામાં આવી હતી અને બદલો લેવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ વિસ્ફોટની જવાબદારી ‘સર અલ્લાહ રેઝિસ્ટન્સ’ જૂથે લીધી હોવાની વાત પણ સામે આવી છે.
ANI અનુસાર, પત્રમાં ‘ગાઝા પર ઇઝરાયલના હુમલા’ અને ‘બદલો’ વિશે વાત કરવામાં આવી છે. પત્રમાં ગાઝા પર ઇઝરાયલની કાર્યવાહીની પણ ટીકા કરવામાં આવી છે.
વિસ્ફોટ બાદ વિસ્તારને થોડા સમય માટે કોર્ડન કરી લેવામાં આવ્યો હતો.
ઇઝરાયેલની રાષ્ટ્રીય સુરક્ષા પરિષદે ભારતમાં તેના નાગરિકો માટે ટ્રાવેલ એડવાઇઝરી જારી કરી છે.
ઇઝરાયેલના નાગરિકોને ભીડવાળા સ્થળો (મોલ અથવા બજારો) પર જવાનું ટાળવા અને એવા સ્થળોએ ન જવાની સલાહ આપવામાં આવી છે જે કોઈપણ રીતે યહૂદીઓ અથવા ઇઝરાયેલીઓ સાથે સંકળાયેલા હોય. એડવાઈઝરીમાં ઈઝરાયેલના પ્રતીકો દર્શાવવાનું ટાળવું, મોટા પાયે ઈવેન્ટમાં ભાગ લેવાનું ટાળવું અને સોશિયલ મીડિયા પર કોઈપણ મુસાફરી વિશે માહિતી આપવાનું કહેવામાં આવ્યું છે.