ફ્રાન્સમાં શંકાસ્પદ માનવ તસ્કરી અને કબુતર બાજી માટે વિવાદમાં સપડાયેલું ચાર્ટર પ્લેન આજે મંગળવારે વહેલી સવારે 276 મુસાફરોને લઈને મુંબઈ એરપોર્ટ પર લેન્ડ થઈ ચૂક્યું છે.
જેમાં ઉત્તર ગુજરાતના 96 જેટલા શંકાસ્પદ મનાતા પ્રવાસીઓની તપાસ થઈ શકે છે આ એવા લોકો છે જેઓ સામે સ્થાનિક એજન્ટની મદદથી ગેર કાયદે અમેરિકા જવાના પ્રયાસની વાત સામે આવી છે.
એજન્ટ દ્વારા દુબઈથી સ્પેશિયલ ફ્લાઇટ કરી નિકારાગુઆ અને ત્યાંથી અમેરિકામાં ગેરકાયદે ઘૂસણખોરી કરવાની વાત સામે આવી છે અને હજુપણ જાન્યુઆરીમાં બીજા લોકો અમેરિકા આ રીતે મોકલવાના હતા તેવી વાતો પણ સામે આવી રહી છે,લાખ્ખો રૂપિયા ખર્ચીને આ રીતે ગેરકાયદે અમેરિકા જઈ રહેલા લોકોનો મામલો સામે આવતા ભારે ચકચાર ફેલાઈ ગઈ છે અને હવે તપાસના ચક્રો ગતિમાન થયા છે,અલબત્ત જે લોકોએ પૈસા ખર્ચ્યા તેઓ ફરી પરત થતાં પૈસા ગુમાવ્યાની લાગણી પણ જોવા મળી રહી છે,હવે તપાસ ચાલુ થશે તેમ મનાય છે.
મહત્વનું છે કે આ વિમાન ચાર દિવસથી ફ્રાંસમાં અટવાયું હતું. આ વિમાન (એરબસ A340) આજે મંગળવારે વહેલી સવારે 4 વાગ્યે મુંબઈ એરપોર્ટ ઉપર લેન્ડ થયું હતું.
પ્લેને સ્થાનિક સમય અનુસાર બપોરે 2.30 વાગ્યે પેરિસ નજીકના વેટ્રી એરપોર્ટ પરથી ઉડાન ભરી હતી.
ફ્રાન્સના અધિકારીઓના જણાવ્યા અનુસાર, પ્લેન જ્યારે મુંબઈ માટે ટેકઓફ થયું ત્યારે તેમાં 276 મુસાફરો સવાર હતા.
જ્યારે બે સગીર સહિત 25 લોકોએ ફ્રાન્સમાં આશ્રય માટે અરજી કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી, તેથી તેઓ ફ્રાન્સમાં રોકાયા છે.
ફ્રેંચ મીડિયા અનુસાર, પ્લેનને રોક્યા બાદ બે લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા અને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.
આ પછી બંનેને છોડી મૂકવામાં આવ્યા હતા.
જ્યારે વિમાન વેત્રી એરપોર્ટ પર ઉતર્યું ત્યારે તેમાં સવાર 303 ભારતીય મુસાફરોમાંથી 11 સગીર સગીર હતા.
ફ્રાન્સમાં ભારતીય એમ્બેસીએ ટ્વીટ કર્યું કે આ મામલાના ઝડપી નિકાલ માટે ફ્રાન્સની સરકાર અને વેત્રી એરપોર્ટનો આભાર.
દૂતાવાસ સાથે નજીકથી કામ કરવા બદલ ફ્રાન્સ સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.
રોમાનિયાની લિજેન્ડ એરલાઈન્સના A340 વિમાને દુબઈથી નિકારાગુઆ માટે ઉડાન ભરી હતી પણ તે જ્યારે ફ્રાન્સના વેત્રી એરપોર્ટ ઉપર ઉતર્યું ત્યારે શંકાસ્પદ માનવ તસ્કરી કે ગેરકાયદે અમેરિકામાં જવાનો મામલો લાગતા ફ્રાન્સ પ્રશાસને અટકાવી તપાસ કર્યા બાદ તેને ભારત પરત મોકલી આપ્યું હતું.
હવે આગળની તપાસ સ્થાનિક પોલીસ કરી શકે છે.