છેલ્લા ત્રણ દિવસથી ફ્રાંસમાં અટવાયેલું પ્લેન આજે મુંબઈ એરપોર્ટ પર લેન્ડ થશે,આ પ્લેનમાં 300 થી વધુ મુસાફરો છે અને તેમાંથી મોટાભાગના ભારતીય મૂળના લોકો છે અને આ પૈકીના 96 મુસાફરો ગુજરાતના ઉત્તર ગુજરાતના છે જેઓ એજન્ટની મદદથી ગેરકાયદે રીતે દુબઈથી નિકારાગુઆ અને ત્યાંથી અમેરિકામાં ઘૂસવાના હોવાની વાત સામે આવતા તપાસનો ધમધમાટ શરૂ થયો છે.
૯૬ જેટલા ઉત્તર ગુજરાતના મુસાફરો ઇમીગ્રેશન એજન્ટ કિરણ પટેલ અને તેના માણસોની મદદથી ગયા હોવાનું સામે આવતા તપાસ શરૂ થઈ છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ પ્લેન થોડા સમય પછી મુંબઈ એરપોર્ટ પર લેન્ડ થઈ શકે છે.

મહત્વનું છે કે રોમાનિયાની લિજેન્ડ એરલાઈન્સના A340 વિમાને દુબઈથી નિકારાગુઆ માટે ઉડાન ભરી હતી.
દરમિયાન જ્યારે આ પ્લેન રિફ્યુઅલિંગ માટે ફ્રાન્સના વેટ્રી એરપોર્ટ પર લેન્ડ થયું ત્યારે
ફ્રાંસ સરકારને માહિતી મળી હતી કે આ પ્લેન દ્વારા માનવ તસ્કરી કરવામાં આવી રહી છે, ત્યારબાદ ફ્રાન્સે આ પ્લેનને રોકી દીધું હતુ અને મુસાફરોને એરપોર્ટના એન્ટ્રી હોલમાં રાખવામાં આવ્યા હતા અને એન્ટ્રી હોલને પણ કવર કરવામાં આવ્યો હતો.
પોલીસે આ વિસ્તારમાં અન્ય મુસાફરોના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો હતો.
પેરિસના ફરિયાદી કાર્યાલયે જણાવ્યું હતું કે શુક્રવારે અટકાયત કરાયેલા બે પ્રવાસીઓની શનિવારે 48 કલાક સુધી ફરીથી પૂછપરછ કરવામાં આવી હતી.

પ્લેન રોકવાની માહિતી મળતાં જ ભારતીય દૂતાવાસના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.

ફ્રાન્સમાં થયેલી તપાસ દરમિયાન આ વિમાન દુબઇથી સેન્ટ્લ અમેરિકા નજીક આવેલા નિકારાગુઆ જઇ રહ્યું હોવાનું સામે આવતા અને આ રૂટ ગેરકાયદેસર ઘુષણખોરી માટે જાણીતો હોવાથી  ફ્રાન્સના ઇમીગ્રેશન વિભાગ તાત્કાલિક વિમાનને કબ્જે કરીને ૩૦૦ ભારતીય મુસાફરો એરપોર્ટ ઉપર અટકાવી રાખવામાં આવ્યા હતા જેમાં ૯૬  જેટલા ગુજરાતીઓ હતા જેમાં મોટાભાગના ઉત્તર ગુજરાતના મહેસાણા, પાટણ, બનાસકાંઠા, ગાંધીનગરના કલોલના હોવાનું જણાયું હતુ અને ગેરકાયદેસર રીતે અમેરિકામાં ઘૂસવાનો મામલો હોય ભારતીય ઇમીગ્રેશન વિભાગ અને અન્ય સુરક્ષા એજન્સીઓએ ઇમીગ્રેશન માફિયા શશી રેડ્ડી દ્વારા અગાઉ પણ દુબઇથી નિકારાગુઆ થઇને અમેરિકા ગયેલા તમામ ભારતીયોની યાદી રોમાનીયાની લિજેન્ડ એરલાઇન પાસે મંગાવી હતી. જે યાદી મળ્યા બાદ તેને રાજ્ય પ્રમાણે અલગ તારવીને જે તે રાજ્યની પોલીસને આ મામલે તપાસ કરવા માટે સુચના આપવામાં આવશે.
જ્યારે સ્ટેટ ઇન્ટેલીજન્સ વિભાગ દ્વારા તપાસ શરૂ થતાં ૯૬ જેટલા ગુજરાતીઓ ઉત્તર ગુજરાતના ઇમીગ્રેશન એજન્ટ કિરણ પટેલ અને તેના માણસોની મદદથી ગયા હોવાનું પણ બહાર આવતા હવે તપાસનો રેલો આવતા ઉત્તર ગુજરાતના મોટાભાગના એજન્ટ અંડર ગ્રાઉન્ડ થઇ ગયા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.