સમગ્ર વિશ્વમાં કોરોનાએ ફરી માથું ઉંચકયું છે અને ભારતમાં પણ કોરોનાના કેસ ચિંતાજનક રીતે સતત વધી રહયા છે.
ભારતના કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના ડેટા અનુસાર,આજે શનિવારે દેશમાં કોવિડ-19ના સક્રિય કેસની સંખ્યા 3 હજારને પાર કરી ગઈ છે.
છેલ્લા 24 કલાક દરમિયાન ભારતમાં કોવિડ-19ના 752 નવા કેસ નોંધાયા છે, જે મે 2023 પછીના એક દિવસમાં નોંધાયેલા કેસોમાં સૌથી વધુ છે.
24 કલાકમાં કોવિડ-19 વાયરસના સંક્રમણને કારણે 4 દર્દીઓના મોત પણ થયા છે,કોરોના વાઇરસના ઑમિક્રોન સ્ટ્રેઇનના પેટાપ્રકાર એવા JN.1ને વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા તેના ઝડપથી વધી રહેલા ફેલાવાને કારણે ‘વૅરિયન્ટ ઑફ ઇન્ટરેસ્ટ’ તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગઈકાલે શુક્રવારે દેશમાં કોવિડ-19ના 640 કેસ નોંધાયા હતા અને એક વ્યક્તિનું મોત થયું હતું.
આગલા દિવસે કોરોના વાયરસના એક્ટિવ કેસ 2,669 હતા જે વધીને 2,997 થયા અને આજે શનિવારે આ આંકડો 3,420 પહોંચ્યો છે આજે શનિવારે સવારે 8 વાગ્યે અપડેટ કરાયેલા આરોગ્ય મંત્રાલયના ડેટામાં કેરળ (266), કર્ણાટક (70), મહારાષ્ટ્ર (15), તમિલનાડુ (13) અને ગુજરાત (12) જેવા રાજ્યો સહિત 17 રાજ્યોમાં કોવિડ-19 વાયરસના એક્ટિવ કેસ વધી રહ્યા છે.
આરોગ્ય મંત્રાલયે કહ્યું કે કોવિડને કારણે કેરળમાં 2, કર્ણાટક અને રાજસ્થાનમાં 1-1 દર્દીના મોત નોંધાયા છે.
JN.1 વેરિયન્ટ અત્યાર સુધી દુનિયાના 41 દેશોમાં ફેલાઇ ચૂક્યો છે, આ વાયરસ જે રીતે ઝડપથી ફેલાઈ રહ્યો છે જે આગળ જતા ચિંતાજનક બની શકે છે માટે માસ્ક પહેરવા અને ભીડ વાળી જગ્યાઓ ઉપર જવા ટાળવું જોઈએ.