જમ્મુ ડિવિઝનના પુંછ જિલ્લાના ડોનાદ વિસ્તારમાં સેનાના જવાનો ઉપર આતંકી હુમલો થયો હતો.
થાનામંડી-બાફલિયાલ રોડ પર પસાર થઈ રહેલા સૈન્ય વાહન પર આતંકવાદીઓએ અચાનક હુમલો કરતા
એલર્ટ થઈ ગયેલા જવાનોએ વળતો જવાબ આપ્યો હતો અને જવાબી ફાયરિંગ શરૂ કર્યું હતું.

આતંકવાદીઓએ સેનાની ટ્રક પર કરેલા આ હુમલામાં ત્રણ જવાન શહીદ થયા છે જ્યારે ત્રણ જવાન ઘાયલ થયા છે. અહીં સતત ગોળીબાર ચાલુ છે.
મહત્વનું છે કે 30 દિવસથી ઓછા સમયમાં આ વિસ્તારમાં સેના પર આ બીજો આતંકી હુમલો થયો છે

પોલીસ અને સેનાના અધિકારીઓને પણ હુમલાની જાણકારી આપવામાં આવતા વધારાના દળો સ્થળ પર પહોંચી ગયા છે અને આસપાસના સમગ્ર વિસ્તારને કોર્ડન કરી દેવામાં આવ્યો છે.
સૂત્રોનું માનીએ તો આતંકવાદીઓએ પહેલા ગ્રેનેડ ફેંક્યો અને પછી ફાયરિંગ શરૂ કર્યું.
જવાનોએ પણ આતંકીઓના હુમલાનો જડબાતોડ જવાબ આપ્યો હતો.
હાલ બંને તરફથી ગોળીબાર ચાલુ છે. ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા  છે.