દેશમાં ફરી એકવાર કોરોના વાયરસે દસ્તક આપી છે અને કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના 614 નવા કેસ નોંધાયા છે જે ગત તા.21 મે પછી જોવા મળેલા સૌથી વધુ કેસ છે. આ સાથે દેશમાં સક્રિય કેસની સંખ્યા વધીને 2,311 થઈ ગઈ છે.
કેરળ અને અન્ય રાજ્યોમાં નોંધાયેલા કોરોનાના નવા કેસોને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ આ મામલે સમીક્ષા બેઠક યોજી હતી.
બેઠકમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું કે હવે સમય આવી ગયો છે કે સરકારના વિઝન મુજબ સાથે મળીને કામ કરવાનો.
ગભરાટ વગર સંપૂર્ણપણે સાવધ રહેવાની જરૂર છે.
તેમણે કહ્યું કે હોસ્પિટલની તૈયારીની મોક ડ્રીલ, દેખરેખમાં વધારો અને લોકો સાથે અસરકારક સંચાર સાથે કોરોના માટે તૈયાર રહેવું મહત્વપૂર્ણ છે. તેમણે દર ત્રણ મહિનામાં એકવાર તમામ હોસ્પિટલોમાં મોક ડ્રીલ હાથ ધરવાની વાત કરી હતી. આ સાથે, આરોગ્ય પ્રધાને રાજ્યોને કેન્દ્ર તરફથી સંપૂર્ણ મદદની ખાતરી આપી હતી.
ગુજરાતમાં પણ કોરોનાના કેસ ઝડપથી વધી રહયા છે અને
કોવિડ 19ના પોઝિટિવ કેસની સંખ્યા વધીને હાલ 13 પહોંચી ગઇ છે. જે રીતે અહેવાલ સામે આવી રહયા છે તેમ રાજયમાં અમદાવાદમાં સૌથી વધુ 7 કોરોના પોઝિટિવ દર્દી છે, જેમાંથી 5 વિદેશથી આવેલા છે અને બાકીના 2 દર્દીની કોઇ ટ્રાવેલ હિસ્ટ્રી નથી.
આ કોરોના પોઝિટિવ દર્દીઓ અમદાવાદના જોધપુર, પાલડી અને ઘાટલોડિયા વિસ્તારમાં નોંધાયા છે.જ્યારે મહેસાણામાં દેડિયાસણ ખાતે કોરોનાના બે નવા કેસ નોંધાયા છે.
જોકે,સાવચેતીના ભાગરૂપે રાજ્યમાં નોંધાયેલા કોરોના પોઝિટિવ તમામ દર્દીઓ હોમ આઈસોલેશન હેઠળ રખાયાછે.
જોકે,રાજ્યમાં કોવિડ 19 વાયરસના નવા વેરિયન્ટ JN.1 વેરિયન્ટનો એક પણ કેસ હાલ નોંધાયો નહી હોવાનું સૂત્રો ઉમેરે છે.
રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેસ પટેલે કહ્યુ કે, કોરોના વાયરસના નવા વેરિયન્ટ JN.1 વેરિયન્ટથી હાલ ગભરાવવાની જરૂર નથી.
કોવિડ 19ના નવા વેરિયન્ટની ઘાતકતા ઓછી જોવા મળી છે છતાં આપણે સાવચેતી રાખવાની જરૂર છે.