કેનેડા અને ઓસ્ટ્રેલિયામાં ફરવા ગયેલા જલંધર પોલીસના પાંચ કર્મચારીઓને પ્રવાસ મોંઘો પડ્યો હતો કારણ કે તેમની રજા પૂર્ણ થયા બાદ પણ પરત હાજર નહિ થતાં તેની ગંભીર નોંધ લઈ તમામને તેઓને નોકરીમાંથી બરતરફ કરવામાં આવ્યા છે.
જલંધર પોલીસ કમિશનર દ્વારા અનુશાસનહીનતાને કારણે વિદેશ ગયેલા પાંચ અને એક સતત ગેરહાજર રહેનાર પોલીસ કર્મી મળી કુલ છ પોલીસ કર્મચારીઓને બરતરફ કરવામાં આવ્યા છે.
જેમાં બે હેડ કોન્સ્ટેબલ, એક લેડી કોન્સ્ટેબલ, એક સિનિયર કોન્સ્ટેબલ અને બે કોન્સ્ટેબલનો સમાવેશ થાય છે.

જલંધર પોલીસ કમિશનર સ્વપન શર્મા દ્વારા બરતરફ કરાયેલા છ પોલીસ કર્મચારીઓ માંથી એક ફરજ પરથી સતત ગેરહાજર રહ્યો હતો, જ્યારે પાંચ કર્મચારીઓ કેનેડા અને ઓસ્ટ્રેલિયામાં રજા લઈ ગયા હતા અને રજા પૂરી થયા બાદ પરત ફર્યા ન હતા.
પંજાબમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને વધુ મજબૂત કરવાના હેતુથી પોલીસ ઘણા મહત્વપૂર્ણ પગલાં લઈ રહી છે અને અધિકારીઓને પણ કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે.
મહત્વનું છે કે પોલીસ કમિશનરે અગાઉથી જ સૂચના આપી દીધી હતી કે જો કોઈ પણ કિસ્સામાં કોઈપણ પોલીસ અધિકારી કે કર્મચારીની બેદરકારી પ્રકાશમાં આવશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે જે અંતર્ગત કડક પગલાં ભરવામાં આવતા પોલીસબેડામાં સોપો પડી ગયો છે.