અફઘાનિસ્તાનની સરહદ પર સક્રિય આતંકી સંગઠનોએ હવે પાકિસ્તાનનો વારો ચડાવ્યો છે પરિણામે પાકિસ્તાનને હવે કોઈ રસ્તો નહિ દેખાતા તેઓએ આખરે અમેરિકાની મદદ માંગી છે.
એક તરફ કતારમાં આતંકી સંગઠન તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP) સાથે વાતચીત કરી રહ્યાં છે. બીજી તરફ બલુચિસ્તાનમાં અમેરિકાને ડ્રોન સંચાલન માટે પોતાનું એરબેઝ સોંપવા માટે સહમતી દર્શાવી છે જે અંગેનો પ્રસ્તાવ પાકિસ્તાની સૈન્ય પ્રમુખ જનરલ અસીમ મુનીર અને ISI પ્રમુખ લેફ્ટનન્ટ જનરલ નદીમ અંજુમે અમેરિકાના પ્રવાસ દરમ્યાન આપી દીધો છે.
જેમાં પાકિસ્તાને અમેરિકાના રક્ષા અધિકારીઓને એ પણ સમજાવવાનો પ્રયાસ કર્યો કે ટીટીપી અને ઇસ્લામિક સ્ટેટની ખુરાસાન શાખા (આઇએસકેપી) જેવા આતંકી જૂથ પાકિસ્તાનની સાથે સાથે ભવિષ્યમાં અમેરિકા માટે પણ ખતરો બની શકે છે અમેરિકાને બેઝ સોંપવાના પાકિસ્તાનના પ્રસ્તાવનું મોટું કારણ તાલિબાન શાસકોનું વલણ છે.
અત્યાર સુધી પાકિસ્તાન કાબુલ પર ટીટીપી અને બલોચ આતંકીઓ પર લગામ લગાવવા માટે દબાણ કરી રહ્યું છે.
તેઓએ અફઘાન તાલિબાનને ડોઝિયર પણ સોંપ્યું છે.
જો કે, તાલિબાન અફઘાનિસ્તાનમાં ટીટીપી અને બલુચ આતંકીઓની ઉપસ્થિતિનો ઇનકાર કરવાના વલણ પર અડગ છે.
તાલિબાનના આ પ્રકારના વલણથી હતાશ થયેલા પાકિસ્તાને અમેરિકાને છેવટે પોતાના બલુચિસ્તાન સ્થિત શમ્સી એરબેઝથી ડ્રોન ઑપરેટ કરવાનો પ્રસ્તાવ મુક્યો છે.
શમ્સી એરબેઝ પ્રાંતીય રાજધાની ક્વેટાથી લગભગ 280 કિલોમીટર અને પાકિસ્તાન-અફઘાનિસ્તાન સરહદથી ફક્ત 30 કિલોમીટર દૂર છે.
જોકે,જો આવું થયું અને અમેરિકાને એરબેઝ અપાશેતો અને અમેરિકા ડ્રોન હુમલો કરશે તો ટીટીપી પણ બલોચ આતંકી જૂથમાં સામેલ થવામાં વિલંબ નહીં કરે અને બધા આતંકીઓ ફરી એકવાર અમેરિકનો વિરુદ્ધ હાથ મિલાવશે અને તેઓનું સંયુક્ત નિશાન નિશાન અમેરિકનોને બદલે પાકિસ્તાની સુરક્ષા દળ હશે, કારણ કે અમેરિકા જમીન પર ઉતરીને લડી રહ્યું નથી.
ટીટીપીને મનાવવા માટે ‘ડીઝલ’ મોરચા પર પાકિસ્તાની સૈન્યએ લાંબા સમયથી સત્તા સમર્થક ધાર્મિક-રાજકીય નેતા મૌલાના ફઝલુર રહમાન ‘ડીઝલ’ને કતારમાં ચાલી રહેલા ટીટીપીના નેતૃત્વની સાથે વાતચીતમાં સામેલ થવા લીલી ઝંડી આપી છે. કહેવાય છે કે પાકિસ્તાન ટીટીપીને આતંકીની યાદીમાં હટાવી શકે છે. નિષ્ણાંતોના મતે યાદીમાંથી બહાર આવશે તો તેના નામના સહારે લડનારા અનેક આતંકી જૂથો હુમલા જારી રાખશે. પાકિસ્તાનથી જોડાયેલા મામલાના જાણકારોના મતે અમેરિકાને બલુચિસ્તાનમાં એરબેઝ સોંપવાનો પ્રસ્તાવ પાકિસ્તાનની પોતાની જૂની નીતિ પર વાપસીનો સંકેત આપે છે.
એક તરફ ચીન સાથે ગાઢ દોસ્તી હોવા છતાં તેની આર્થિક મુશ્કેલી યથાવત છે. પરિણામે ફરીથી અમેરિકાની મદદ માંગવી પડી છે અને પાકિસ્તાન ચીન અને અમેરિકા વચ્ચે સંતુલન કરવાનો પ્રયાસ કરી રહ્યું છે.
અમેરિકાને ચીનના પડકારોને દૂર કરવા માટે આ ક્ષેત્રમાં આમેય એરબેઝ તો જોઇએ જ છે ત્યારે બન્ને પક્ષે એકબીજાની ગરજ અહીં જોવા મળી રહી છે ત્યારે આગામી સમયમાં અમેરિકા શુ નિર્ણય લે છે તે જોવું રહ્યું.