ઓસ્ટ્રેલિયામાં એક મહિલાને હોટલમાં હેર ડ્રાયરનો ઉપયોગ કરવો ભારે પડ્યો હતો.
આ મહિલાને હોટલમાં હેર ડ્રાયરનો ઉપયોગ કરવા માટે 1,400 ઓસ્ટ્રેલિયન ડોલર (અંદાજે 78,130 રૂપિયા) ચૂકવવા પડયા હતા. ઓસ્ટ્રેલિયાના પર્થની એક હોટલમાં રોકાયેલી કેલી નામની મહિલા સાથે આવુ બન્યું હતુ.
ન્યૂયોર્ક પોસ્ટના અહેવાલ મુજબ, કેલી ગત શનિવારે એક કોન્સર્ટમાં ભાગ લેવા પર્થ પહોંચી હતી.
જ્યાં તેણે નોવોટેલ પર્થ લેંગલી ખાતે રહેવા માટે રૂમ બુક કરાવ્યો હતો. કોન્સર્ટમાં ભાગ લેવા પર્થ આવેલી આ મહિલાએ પહેલા તેના હોટલના રૂમમાં સ્નાન કર્યા બાદ વાળને સીધા કરવા માટે ડ્રાયરનો ઉપયોગ કર્યો હતો, જેમ કે દરેક વ્યક્તિ સામાન્ય રીતે કરે છે.
દરમિયાન,આ મહિલાએ ડ્રાયરનો ઉપયોગ શરૂ કરતાજ ફાયર એલાર્મ વાગવા લાગ્યું અને તરત જ ફાયરની ટીમ તેના રૂમમાં પહોંચી ગઈ.
હોટલ પ્રશાસનનું કહેવું હતું કે મહિલાના હેર ડ્રાયરને કારણે ફાયર એલાર્મ વાગવા લાગ્યું હતું.
આ બધા વચ્ચે મહિલાએ ઈવેન્ટમાં હાજરી આપી અને બીજા દિવસે હોટેલમાંથી ચેકઆઉટ કર્યું ત્યારે ત્રણ દિવસ પછી મહિલાને ખબર પડી કે તેના ખાતામાંથી 240 ડોલર પ્રતિ રાત્રિના બદલે 1400 ડોલર કપાઈ ગયા છે. આ જોઈને મહિલા નારાજ થઈ ગઈ અને તેણે હોટલમાંથી આ રૂપિયાના કપાત અંગે પૂછપરછ કરતા જેમાં મહિલાને કહેવામાં આવ્યું હતું કે ખોટા ફાયર એલાર્મના કારણે તેના પર દંડ ફટકારવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે ઑસ્ટ્રેલિયામાં ફાયર અને ઇમરજન્સી સર્વિસ વિભાગ ખોટા ફાયર એલાર્મ માટે દંડ વસૂલ કરે છે, પરંતુ દંડ માત્ર $1337 છે પણ હોટલના સ્ટાફે મહિલાના ખાતામાંથી 63 ડોલર વધુ કાપી લીધા હતા.
જોકે, મહિલાએ હોટલ સામે સતત ફરિયાદ અને આખો દિવસ હોટેલમાં ફોન કરીને ઈમેલ મોકલતા આખરે તેને રિફંડ આપવામાં આવ્યું હતું.