રાજ્યમાં જુદા જુદા બનાવોમાં નાગરિકો અને પોલીસ વચ્ચે ઘર્ષણના બનાવો વધ્યા છે અને જનતામાં કેટલાક પોલીસવાળા ખોટી રીતે હેરાન કરી પૈસા પડાવતા હોવાની ઉઠેલી ફરિયાદો વચ્ચે ઓગણજ ટોલટેક્સ પાસે રાત્રિના સમયે એક દંપતિને વાહનચેકીંગના બહાને રોકી પોલીસ દ્વારા કરાયેલા તોડકાંડ પ્રકરણમાં હાઇકોર્ટમાં દાખલ કરેલી સુઓમોટો પીઆઇએલ બાદ આજે હાઇકોર્ટે પોલીસ વિરૂધ્ધ નાગરિકોને કોઇપણ પ્રકારની ફરિયાદ હોય તો તે માટે એક અલગથી હેલ્પલાઇન નંબર જાહેર કરવા આદેશ કર્યો છે અને તા.12મી જાન્યુઆરી સુધીમાં આ હેલ્પલાઈન નંબર અમલમાં લાવવા તાકીદ કરી છે આ નંબર ઉપર જનતા પોલીસ વિરુદ્ધ કોઈપણ ફરિયાદ હોય તો તે સીધી કરી શકશે.


ચીફ્ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ અનિરૂધ્ધ માયીની ખંડપીઠે સામાન્ય નાગરિકને સરળતાથી યાદ રહી જાય તે પ્રકારે હેલ્પલાઇન નંબર જાહેર કરવા અને સોગંદનામા પર મૂકવા નિર્દેશ કરી કેસની વધુ સુનાવણી તા.12મી જાન્યુઆરીના રોજ મુકરર કરી હતી.

પોલીસ દ્વારા થયેલા તોડકાંડ કેસમાં સરકારપક્ષ તરફ્થી જણાવાયું હતું કે, પોલીસ અને તંત્ર દ્વારા હાઇકોર્ટના નિર્દેશાનુસાર, ઓટોરીક્ષા, ટેક્સી સહિતના જાહેર પરિવહનના વાહનો અને અન્ય મહત્ત્વના સ્થળો પર પોલીસ સામે ફરિયાદ કરવાના નંબર લગાવવાની કાર્યવાહી ચાલુ જ છે. 100, 112 અને 1064 હેલ્પલાઇન નંબર પર પોલીસ સામેની ફરિયાદ લેવામાં આવે છે. જો કે, ચીફ્ જસ્ટિસે સરકારને કડક શબ્દોમાં તાકીદ કરી કે, તમને પોલીસ વિરૂદ્ધની નાગરિકોને કોઇપણ ફરિયાદ હોય તો તે લેવા માટે અલગથી હેલ્પલાઇન નંબર જારી કરવામાં શું તકલીફ છે? સરકાર અને પોલીસ તંત્રએ આ માટે એક વધારાનો નંબર અને તેને આનુષંગિક કાર્યવાહી માટે એક વધારાનો સેલ પણ ઉભો કરવા તાકીદ કરી જનતાની સેવામાં તાત્કાલિક અમલમાં લાવવા જણાવતા હવે કોઈપણ નાગરિક પોલીસની હેરાનગતિનો ભોગ બને તો તે અલગ હેલ્પલાઈન નંબર ઉપર ફરિયાદ કરી શકશે.