આખરે આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા આજે 1 મહિના અને 9 દિવસ બાદ પોલીસ સમક્ષ હાજર થઇ ગયા છે આ વાત વાયુવેગે પ્રસરી જતા મોટી સંખ્યામાં તેઓના સમર્થકો પોલીસ મથક બહાર એકત્ર થઈ રહ્યા છે.
ધારાસભ્ય વસાવાએ કહ્યું કે તેઓ હંમેશા આદિવાસીઓના હક્ક માટે લડત આપતા રહશે.
અત્રે ઉલ્લેખનીય છે કે ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ભરુચથી લોકસભાની ચૂંટણી લડશે તે મુજબની જાહેરાત પણ થઈ છે અને આ બધા વચ્ચે આખરે ધારાસભ્ય ચૈતર વસાવા આજે ડેડીયાપાડા પોલીસ સ્ટેશન ખાતે હાજર થઈ ગયા છે.ચૈતર વસાવા પોલીસ સમક્ષ હાજર થાય તે અગાઉ પોતાના કાર્યાલય પર પહોચ્યા હતા. અહી તેમણે પોતાના સમર્થકોને સંબોધિત કર્યા હતા. હજારોની સંખ્યામાં એકઠા થયેલા ચૈતર વસાવાના સમર્થકોએ તેમના સમર્થનમાં નારેબાજી કરી હતી. ચૈતર વસાવા જીંદાબાદના નારા લગાવ્યા હતા. કાયદો વ્યવસ્થા જાળવી રાખવા ચૈતર વસાવાએ સમર્થકોને અપીલ કરી હતી. ચૈતર વસાવાએ ભાજપ અને સરકાર પર ગંભીર આરોપ લગાવ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે નર્મદા જિલ્લાના ડેડિયાપાડા પોલીસ સ્ટેશનની હદમાં 29 ઑકટોબરે વનવિભાગના કેટલાક કર્મચારીઓ તરફથી વનવિભાગની જમીનમાં ખેડૂતો દ્વારા ખેતી થતા તે દૂર કરાયા બાદ ડેડિયાપાડા વિધાનસભાના ધારાસભ્ય ચૈતર વસાવાએ વનનિભાગના કર્મચારીઓને તેમના ઘરે બોલાવી તેમની સાથે બોલાચાલી તેમજ કથિત મારપીટ કરી ખેડૂતોને પૈસા આપવાનું કહ્યું હતું
અનેપૈસા નહીં આપવામાં આવે તો તમને મારી નાખવાની ધમકી આપી હવામાં એક રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતુ અને બીજા દિવસે પણ કર્મચારીઓ પાસે પૈસા અંગે માગણી કરવામાં આવી હોવાના આરોપ લાગ્યા હતા.
જોકે, વનવિભાગના કર્મચારીઓએ એક ખેડૂતને પૈસા આપી દીધા હતા ત્યારબાદ રાજ્ય સરકાર તરફથી વનવિભાગના કર્મચારીઓએ આ અંગે ફરિયાદ દાખલ કરાવી છે. આ મુદ્દે અત્યાર સુધીમાં ત્રણ આરોપીઓ જેમાં ધારાસભ્યના પીએ, તેમનાં પત્ની તેમજ એક બીજા ખેડૂતની ધરપકડ કરવામાં આવી હતી.
આ ફરિયાદમાં આરોપીઓ પર ગાળો બોલવાનો તથા ફરિયાદીને ગાલ પર લાફા મારવાનો પણ આરોપ છે.
સમગ્ર કેસમાં 29 ઑક્ટોબરના દિવસે ધારાસભ્ય ચૈતર વસાવા, પત્ની શકુંતલાબહેન, ડુંગર ભાંગડાભાઈ વસાવાની બે દીકરીઓ, રમેશભાઈ વસાવા, રમેશભાઈનાં પત્ની અને બે અજાણ્યા શખ્સો, ધારાસભ્યના પીએ સામે આઈપીસીની કલમ 143, 147, 148, 149, 186, 189, 332, 353, 386, 294 (ખ), 506(2), 34 તથા હથિયાર ધારો 25 (એ)1 મુજબ ફરિયાદ નોંધાઈ હતી.
દરમિયાન ચૈતર વસાવા પોલીસ સ્ટેશને હાજર થવાની વાત વાયુવેગે પ્રસરી જતા તેઓના સમર્થકો પોલીસ મથક બહાર ઊમટ્યા હતા આ તકે વસાવાએ કહ્યું હતું કે તેઓ હંમેશા આદિવાસીઓ માટે લડતા રહશે.
પોલીસ સ્ટેશન હાજર થતા પહેલા ચૈતર વસાવાએ જાહેરાત કરી હતી કે તેઓ આવનારા દિવસોમાં મોટું આંદોલન કરશે. ચૈતર વસાવાએ આરોપ લગાવ્યો હતો કે પોતે સરકાર વિરુદ્ધ જનતાના મુદ્દા ઉઠાવતા હોવાથી હેરાન કરવામાં આવી રહયા છે.