લેબનોન પર હુમલામાં ઈઝરાયેલ દ્વારા સફેદ ફોસ્ફરસનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાના અહેવાલોને લઈ ભારે ખળભળાટ મચી ગયો છે.
અમેરિકાએ આ મામલે ચિંતા વ્યક્ત કરી છે.
અમેરિકાની નેશનલ સિક્યોરિટી કાઉન્સિલના સ્ટ્રેટેજિક કોમ્યુનિકેશન્સના કોઓર્ડિનેટર જ્હોન કિર્બીએ પોતાના એક નિવેદનમાં કહ્યું કે અમેરિકા આ મામલે વધુ માહિતી એકઠી કરી રહ્યું છે.
તેમણે ઉમેર્યું કે અમેરિકા અન્ય દેશોની સેનાઓને માત્ર એ આશા સાથે સફેદ ફોસ્ફરસ આપે છે કે તેઓ તેનો યોગ્ય ઉપયોગ કરશે અને યુદ્ધના નિયમોનું પાલન કરશે.
મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે ઈઝરાયેલે ઓક્ટોબરમાં લેબનોનમાં થયેલા હુમલામાં સફેદ ફોસ્ફરસનો ઉપયોગ કર્યો હતો. જોન કિર્બીએ કહ્યું કે અમે આ અહેવાલોથી ચિંતિત છીએ અને આ મામલે વધુ માહિતી એકઠી કરી રહ્યા છીએ. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સફેદ ફોસ્ફરસ હુમલામાં 9 નાગરિકો અસરગ્રસ્ત થયા છે અને માનવાધિકાર સંગઠનો માંગ કરી રહ્યા છે કે આ કેસની તપાસ યુદ્ધ અપરાધ તરીકે થવી જોઈએ.
વાસ્તવમાં, ઇઝરાયેલ બોર્ડર પાસે લેબનોનના દેહરા વિસ્તારમાં આવા પુરાવા મળ્યા છે, જે દર્શાવે છે કે અહીં હુમલામાં સફેદ ફોસ્ફરસનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
અત્રે નોંધનીય છે કે સફેદ ફોસ્ફરસથી લાગેલી આગ ઘરો અને ઈમારતોને નષ્ટ કરી શકે છે અને જો કોઈ વ્યક્તિ સફેદ ફોસ્ફરસને કારણે લાગેલી આગમાં ફસાઈ જાય તો તેના હાડકાં ઓગાળી દેવાની ક્ષમતા ધરાવે છે.
જોકે, ઈઝરાયેલી સેનાએ આ આરોપોને નકારી કાઢ્યા છે.