અવકાશમાં ઉગાડવામાં આવેલું ટામેટું ગુમ થયા બાદ આખરે 8 મહિના બાદ મળી આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે ગત માર્ચમાં, અવકાશયાત્રી ફ્રેન્ક રુબિયોએ આંતરરાષ્ટ્રીય અવકાશ સ્ટેશન (ISS) પર પ્રથમ વખત ટામેટાં ઉગાડવામાં સફળ થયા હતા અને આ ટામેટાને અભ્યાસ માટે તોડયા બાદ બાકીના ટામેટાં સ્પેસ સ્ટેશનના અવકાશયાત્રીઓમાં વહેંચવામાં આવ્યા હતા.

ફ્રેન્કે કહ્યું- મેં મારા ટામેટાંને પ્લાસ્ટિકની નાની થેલીમાં મૂકી દીધા હતા.
દરમ્યાન મારો એક મિત્ર શાળાના બાળકો સાથે ઓનલાઈન ઈવેન્ટમાં સામેલ હોય હું તેમને બતાવવા માટે ટામેટું લેવા ગયો ત્યારે તે ગાયબ હતું. વાસ્તવમાં, અવકાશમાં દરેક વસ્તુને અમુક સામગ્રીની મદદથી દિવાલ સાથે લગાવવી પડે છે, નહીં તો તે તરતી રહેશે.
ફ્રેન્કના કહેવા મુજબ તેણે 6 મહિના દરમિયાન લગભગ 20 કલાક જેટલો ટામેટું શોધવામાં વિતાવ્યા હતા,
પણ તેને ક્યાંય ટામેટું મળ્યું નહતું. આ સમય દરમિયાન, તેના સાથીઓએ ફ્રેન્ક પર ટામેટું ખાવાનો અને તેના વિશે ભૂલી જવાનો આરોપ પણ લગાવી ફ્રેન્કની મજાક ઉડાવતા હતા. ફ્રેન્કે કહ્યું- હું ટામેટું શોધીને સાબિત કરવા માંગતો હતો કે મેં તે ખાધું નથી.
સ્પેસ સ્ટેશનમાં 371 દિવસ ગાળ્યા પછી ફ્રેન્ક આખરે 27 સપ્ટેમ્બરે પૃથ્વી પર પાછો ફર્યો. ટામેટું ગુમાવ્યાના લગભગ 8 મહિના પછી 6 ડિસેમ્બરે સ્પેસ સ્ટેશનની 24મી વર્ષગાંઠ પર એક લાઈવ ઈવેન્ટમાં એસ્ટ્રોનોટ જાસ્મીન મોગબેલીએ કહ્યું – અમે ટામેટાં માટે ફ્રેન્કને દોષી ઠેરવ્યા હતા પરંતુ હવે તે આ આરોપોમાંથી મુક્ત છે. અમને સ્પેસ સ્ટેશનમાં ખોવાયેલ ટામેટું મળી ગયું છે.

જો કે, મોગબેલીએ તેને ટામેટાં ક્યાંથી અને કઈ સ્થિતિમાં મળ્યા તે જણાવ્યું ન હતું.
રૂબિયોએ કહ્યું કે સ્પેસ સ્ટેશનમાં લગભગ 17% ભેજ રહેતો હોય છે. તેમને ડર હતો કે અત્યાર સુધીમાં ટામેટું સડી ગયું હશે અને તે પછી કોઈએ અજાણતાં ફેંકી દીધું હશે.
ફ્રેન્કનું પૃથ્વી પર પાછા ફરવું એ પોતાનામાં એક ઐતિહાસિક ક્ષણ હતી,શરૂઆતમાં તે અંતરિક્ષમાં માત્ર 6 મહિના વિતાવવાનો હતો. પરંતુ જ્યારે તે સપ્ટેમ્બરમાં પરત ફર્યો ત્યારે તેણે 371 દિવસ પૂરા કર્યા હતા. આ સાથે તે આટલો લાંબો સમય અવકાશમાં રહેનાર પ્રથમ અમેરિકન અવકાશયાત્રી બન્યો છે.