ભારતે ટીમ ઇવેન્ટમાં ગોલ્ડની સાથે ચીનનો વર્લ્ડ રેકોર્ડ પણ તોડ્યો
શૂટર્સે હાંગઝોઉમાં રમાઈ રહેલી 19મી એશિયન ગેમ્સમાં ભારતને પ્રથમ ગોલ્ડ મેડલ જીતાડ્યો છે. પુરુષોની 10 મીટર એર રાઈફલ ટીમ ઈવેન્ટમાં રૂદ્રાંક્ષ બાળાસાહેબ પાટીલ, દિવ્યાંશ સિંહ પંવાર અને ઐશ્વર્યા પ્રતાપ સિંહ તોમરે આ સુવર્ણ સફળતા હાંસલ કરી હતી. ઐશ્વર્યા-દિવ્યાંશ-રુદ્રાંશે ક્વોલિફિકેશન રાઉન્ડમાં 1893.7 માર્ક્સ મેળવ્યા. આ સાથે ભારતીય ખેલાડીઓએ પુરુષોની 10 મીટર એર રાઈફલ ટીમ ઈવેન્ટમાં ચીનના ખેલાડીઓનો વર્લ્ડ રેકોર્ડ તોડી નાખ્યો.
બાકુ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ચીનના ખેલાડીઓએ આ રેકોર્ડ બનાવ્યો હતો. દક્ષિણ કોરિયા 1890.1 પોઈન્ટ સાથે બીજા ક્રમે જ્યારે ચીન 1888.2 પોઈન્ટ સાથે ત્રીજા ક્રમે છે. ક્વોલિફિકેશનમાં ત્રીજા સ્થાને રહેલા રુદ્રાક્ષે ભારતીય ટીમ માટે 631.6 પોઈન્ટ બનાવ્યા હતા. ઐશ્વર્યાએ 631.6 માર્ક્સ મેળવ્યા છે જ્યારે દિવ્યાંશે 629.6 માર્ક્સ મેળવ્યા છે.
ભારતે આ ઈવેન્ટમાં માત્ર ગોલ્ડ મેડલ જ જીત્યો ન હતો, પરંતુ ઐશ્વર્યા અને રુદ્રાંશે 10 મીટર એર રાઈફલ વ્યક્તિગત ઈવેન્ટની ફાઇનલમાં પણ ક્વોલિફાય કર્યું હતું. જો કે દિવ્યાંશે પણ ટોપ-8માં સ્થાન મેળવ્યું હતું, પરંતુ એશિયન ગેમ્સના નિયમો અનુસાર દરેક દેશમાંથી માત્ર બે જ સ્પર્ધકો ફાઈનલ માટે ક્વોલિફાય થઈ શકે છે, જેના કારણે દિવ્યાંશ બહાર રહી ગયો હતો.
ભારતે અત્યાર સુધીમાં 8 મેડલ જીત્યા :
મેહુલી ઘોષ, આશી ચોકસે અને રમિતા જિંદાલ – 10 મીટર એર રાઈફલ ટીમ ઈવેન્ટ (શૂટિંગ): સિલ્વર
અર્જુન લાલ જાટ અને અરવિંદ સિંહ, પુરુષોની લાઇટવેઇટ ડબલ સ્કલ્સ (રોઇંગ): સિલ્વર
બાબુ લાલ અને લેખ રામ, મેન્સ કોક્સલેસ ડબલ્સ – (રોઇંગ): બ્રોન્ઝ
મેન્સ કોક્સેડ 8 ટીમ – (રોઇંગ): સિલ્વર
રમિતા જિંદલ – મહિલા 10 મીટર એર રાઈફલ (શૂટિંગ): બ્રોન્ઝ
ઐશ્વર્યા તોમર, રૂદ્રાંક્ષ પાટીલ અને દિવ્યાંશ પંવાર, 10 મીટર એર રાઈફલ ટીમ ઈવેન્ટ (શૂટીંગ): ગોલ્ડ
આશિષ, ભીમ સિંહ, જસવિન્દર સિંહ અને પુનીત કુમાર – મેન્સ કોક્સલેસ 4 (રોઈંગ): બ્રોન્ઝ
પરમિન્દર સિંઘ, સતનામ સિંઘ, જાકર ખાન અને સુખમીત સિંહ – મેન્સ ક્વાડ્રુપલ સ્કલ્સ (રોઇંગ): બ્રોન્ઝ
ગયા વર્ષે 10 થી 25 સપ્ટેમ્બર દરમિયાન 19મી એશિયન ગેમ્સ યોજાવાની હતી, પરંતુ ચીનમાં કોરોના વાયરસના કેસ વધ્યા બાદ આ ગેમ્સને મોકૂફ રાખવામાં આવી હતી. એકંદરે એશિયન ગેમ્સ ત્રીજી વખત ચીનમાં યોજાવા જઈ રહી છે. ચીનની રાજધાની બેઇજિંગે 1990માં એશિયન ગેમ્સની યજમાની કરી હતી, જ્યારે ગુઆંગઝૂને 2010માં આ પ્રતિષ્ઠિત રમતનું આયોજન કરવાની તક મળી હતી.