બે સપ્તાહ પહેલા ગુરવિંદર નાથની કેનેડામાં હત્યા કરાઇ હતી, બે દિવસ પહેલા હવે માતાએ આત્મહત્યા કરી, બંનેના એકસાથે અંતિમસંસ્કાર થતા ચોતરફ ગમગીની
પંજાબના શહીદ ભગત સિંહ નગર જિલ્લાના આઈમા ચહલ ગામમાં માતા અને પુત્રના એક સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. આ દરમિયાન દરેકની આંખો ભીની થઈ ગઈ હતી. પંજાબનો રહેવાસી 24 વર્ષીય ગુરવિંદર નાથ કેનેડામાં રહેતો હતો. જ્યાં તેની હત્યા કરવામાં આવી હતી. ગુરવિંદરની માતા નરિન્દર દેવી (50) આ આઘાત સહન ન કરી શકી અને તેમણે આત્મહત્યા કરી લીધી. બંનેના શનિવારે (29 જુલાઈ) એક સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
9 જુલાઇએ ગુરવિંદર પર થયો હતો હુમલો
ગુરવિન્દર નાથ અભ્યાસ માટે 2021માં કેનેડા ગયા હતા. તે ટોરોન્ટોની લોયાલિસ્ટ કોલેજમાં બિઝનેસ કોર્સ કરી રહ્યો હતો અને પિઝા ડિલિવરી બોય તરીકે પણ કામ કરતો હતો. 9 જુલાઈના રોજ, ટોરોન્ટો નજીકના મિસીસૌગા શહેરમાં મોડી રાત્રે ડિલિવરી કરતી વખતે તેમની કાર લૂંટાઈ અને ક્રૂર હુમલો કરવામાં આવ્યો. 14 જુલાઈએ યુવકનું હોસ્પિટલમાં મોત થયું હતું.
કેનેડામાં પુત્રની હત્યાથી માતા આઘાતમાં સરી પડી હતી
કેનેડિયન પોલીસ ઇન્સ્પેક્ટર ફિલ કિંગે જણાવ્યું હતું કે અમે માનીએ છીએ કે તેમાં ઘણા શંકાસ્પદ લોકો સામેલ છે અને પીઝા ડિલિવરી બોયને વિસ્તારમાં બોલાવવાનો આદેશ આપવામાં આવ્યો હતો. યુવક સુધી પહોંચ્યા બાદ પહેલા લૂંટ ચલાવી અને પછી તેના પર હુમલો કરવામાં આવ્યો. બીજી તરફ પંજાબ પોલીસના જણાવ્યા અનુસાર ગુરવિંદરની માતા કેનેડામાં પુત્રના મૃત્યુ બાદ આઘાતમાં હતી. તેણે કહ્યું કે માતા આ દુ:ખ સહન કરી શકતી ન હતી.
બંનેના એક સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા
પોલીસે જણાવ્યું કે પુત્રના મૃત્યુના સમાચાર સાંભળીને માતા ડિપ્રેશનમાં આવી ગઈ હતી અને પછી તેણે આત્મહત્યા કરી લીધી હતી. ગુરવિંદરનો મૃતદેહ શુક્રવારે રાત્રે દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પહોંચ્યો હતો. શનિવારે સવારે 11 વાગ્યે માતા-પુત્રના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. ગુરવિંદરના પિતા કૃષ્ણ દેવ એક ખેડૂત છે અને નાની ડેરી ચલાવે છે.