૨૦૨૨ની વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી જાતિગત સમીકરણ રચાયું
એક બ્રાહ્મણ, બે દલિત, એક એસટી અને ત્રણ ઓબીસી નેતાઓનો મંત્રીમંડળમાં સમાવેશ, કોંગ્રેસથી આવેલા જિતિન પ્રસાદને પણ સ્થાન
નમસ્કાર ગુજરાત ન્યૂઝ
ઉત્તર પ્રદેશમાં આગામી વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણીને માત્ર પાંચ જ મહિના બાકી છે ત્યારે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રવિવારે મંત્રીમંડળનું વિસ્તરણ કર્યું હતું. આ વિસ્તરણના ભાગરૂપે એક સમયે રાહુલ ગાંધીના નજીકના મનાતા જિતિન પ્રસાદ સહિત સાત મંત્રીઓને હોદ્દા અને ગુપ્તતાના શપથ આવ્યા હતા.
કોને કોને મળ્યું મંત્રીમંડળમાં સ્થાન
રાજ્યપાલ આનંદીબેન પટેલે રાજભવનમાં સાદા શપથ સમારંભમાં જિતિન પ્રસાદ, પલટુ રામ, ધર્મવીર પ્રજાપતિ, છત્રપાલ ગંગવાર, સંગીતા બળવંત, સંજીવ ગૌડ અને દિનેશ ખાટકિને મંત્રીપદના શપથ અપાવ્યા. યોગી સરકારે રવિવારે મંત્રીમંડળમાં એક બ્રાહ્મણ, બે દલિત, એક એસટી અને ત્રણ ઓબીસી નેતાઓનો સમાવેશ કર્યો હતો.
યુપીએ સરકારમાં કેન્દ્રીય માનવ સંશાધનના રાજ્યમંત્રી રહી ચૂકેલા જિતિન પ્રસાદને ભાજપમાં જોડાયા ત્યારથી મંત્રીપદ અપાવાનું નિશ્ચિત મનાતું હતું. જોકે, ઉત્તર પ્રદેશના મંત્રીમંડળનું વિસ્તરણ એવા સમયે કર્યું છે જ્યારે રાજ્ય વિધાનસભા ચૂંટણીમાં હવે પાંચ જ મહિનાનો સમય બાકી છે. આ મંત્રીમંડળના વિસ્તરણ પહેલા યોગી સરકારમાં મુખ્યમંત્રી સહિત ૨૩ કેબિનેટ મંત્રી, નવ સ્વતંત્ર પ્રભારવાળા મંત્રી અને ૨૧ રાજ્યમંત્રી હતા. ઉત્તર પ્રદેશ વિધાનસભામાં સભ્યોની સંખ્યા ૪૦૩ છે. એવામાં નિયમાનુસાર ૬૦ મંત્રી બનાવાઈ શકે છે. પરંતુ મંત્રીમંડળના વિસ્તરણ પહેલાં માત્ર ૫૩ મંત્રી હતા અને સાત પદ ખાલી હતા, જેને આજે ભરવામાં આવ્યા હતા.
કોણ છે જિતિન પ્રસાદ ?
જિતિન પ્રસાદ મૂળભૂત રૃપે શાહજહાંપુરના વતની છે. તેમના પિતા જિતેન્દ્ર પ્રસાદ કોંગ્રેસના વરિષ્ઠ નેતા હતા અને શાહજહાંપુર લોકસભા બેઠક પરથી ચાર વખત સાંસદ પણ બન્યા હતા. તેઓ છેલ્લે ૧૯૯૯ની લોકસભા ચૂંટણી લડયા હતા. તેના આગલા વર્ષે જ તેમણે પક્ષના નેતૃત્વ સામે બળવો કર્યો હતો. જોકે, જાન્યુઆરી ૨૦૦૧માં તેમનું નિધન થયું હતું. જિતિન પ્રસાદ રાહુલ ગાંધીની યુવા ટીમમાં ખૂબ જ નજીકના સાથી હતા. પરંતુ તાજેતરમાં જ તે કોંગ્રેસ સાથે છેડો ફાડી ભાજપમાં જોડાયા હતા.
ધર્મવીર પ્રજાપતિ આગરાના નિવાસી છે. તેઓ સંઘ સાથે જોડાયેલા છે. ભાજપે ૨૦૦૨માં પહેલી વખત પછાત વર્ગના એકમમાં તેમને પ્રદેશ મહામંત્રી બનાવ્યા હતા. તેઓ બે વખત ઉત્તર પ્રદેશ સંગઠનના મંત્રી પણ રહ્યા હતા. એ જ રીતે સંગીતા બલવંત બીંદ ગાઝીપુર જિલ્લાની સદર બેઠકથી ધારાસભ્ય છે. તેઓ પછાત જાતિ બિંદ સમાજથી આવે છે. પહેલી વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા સંગીતા વિદ્યાર્થી રાજકારણ અને પંચાયતના રાજકારણથી સક્રિય રાજકારણમાં આવ્યા છે.
છત્રપાલ સિંહ ગંગવાર પણ આરએસએસ સાથે સંકળાયેલા હતા. બરેલી જિલ્લાની બહેડી વિધાનસભા બેઠકથી ધારાસભ્ય છત્રપાલ સિંહ ગંગવાર આરએસએસના પ્રચારક રહી ચૂક્યા છે. તેઓ ઓબીસી છે અને કુર્મી સમાજમાંથી આવે છે. પલટુ રામ બલરામપુર સદર બેઠકમાંથી ધારાસભ્ય છે અને દલિત જાતિ (ખટકી)ના છે. પોતાના ક્ષેત્રમાં આદિવાસીઓ પર સારી પકડ ધરાવતા ધારાસભ્ય સંજીવ ગૌંડ ઓબરા વિધાનસભા બેઠકથી ધારાસભ્ય છે. તેઓ ૧૯૭૮માં જનસંઘમાં પણ ધારાસભ્ય અને મંત્રીપદ શોભાવી ચૂક્યા છે.