મકાન માલિક અને ભાડવાત વચ્ચે વિવાદ વધતા લોહિયાળ જંગ, કપલનું મોત, પોલીસે મકાનમાલિકને ઠાર કર્યો

કેનેડામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. હકીકતમાં, એક મકાનમાલિકે નજીવી તકરારમાં તેના મકાનમાં ભાડે રહેતા દંપતીની ગોળી મારીને હત્યા કરી હતી. પોલીસનું કહેવું છે કે બંને નિર્દોષ હતા અને નજીવી તકરારમાં જીવ ગુમાવ્યો હતો. તે જ સમયે જ્યારે પોલીસે આરોપીને પકડવાનો પ્રયાસ કર્યો તો તેણે પણ પોલીસ પર ગોળીબાર કર્યો. જવાબી કાર્યવાહીમાં આરોપી લેન્ડલોર્ડ પણ માર્યો ગયો છે..

શું હતો બંને પક્ષો વચ્ચે વિવાદ ?
મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ ઘટના કેનેડાના ઓન્ટારિયોના સ્ટોની ક્રીક વિસ્તારની છે. જ્યાં 27 વર્ષીય કેરિસા મેકડોનાલ્ડ અને 28 વર્ષીય એરોન સ્ટોન ભાડુઆત તરીકે રહેતા હતા. આ દંપતી 57 વર્ષીય વ્યક્તિના ઘરના બેઝમેન્ટમાં રહેતું હતું. જ્યારે મકાનમાલિક ઉપરના માળે રહેતા હતા. શનિવારે સાંજે દંપતી અને મકાન માલિક વચ્ચે કોઈ બાબતે ઝઘડો થયો હતો. તકરાર વચ્ચે જ્યારે ભાડવાતોએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે મકાનમાલિકે બંનેને ગોળી મારી દીધી હતી, જેમાં બંનેનું મોત થયું હતું.

પોલીસે જણાવ્યું કે આ કપલ ટૂંક સમયમાં લગ્ન કરવાનું હતું. આ ઘટનામાં જીવ ગુમાવનાર કેરિસા એક શિક્ષક હતી અને એરોન ઈલેક્ટ્રીશિયન તરીકે કામ કરતો હતો. પોલીસે ભાડૂતો અને મકાનમાલિક વચ્ચેના વિવાદ પાછળનું કારણ જાહેર કર્યું નથી પરંતુ કહ્યું કે ભાડા અંગે કોઈ વિવાદ નથી. મકાનમાલિક ઘરની સ્થિતિથી ખુશ ન હતા તેવું પ્રાથમિક તારણ હાલ બહાર આવ્યું છે જોકે તે અંગેની કોઇ પુષ્ટિ પોલીસે આપી નથી.

એન્કાઉન્ટરમાં મકાનમાલિક માર્યો ગયો
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઘટના બાદ જ્યારે પોલીસ આરોપી મકાનમાલિકના ઘરે તેને પકડવા પહોંચી તો તેણે પોલીસને રોકવા માટે ઘરની બહાર બેરિકેડ લગાવી દીધા હતા અને પોતાના લાયસન્સવાળા હથિયારથી પોલીસ પર ફાયરિંગ પણ કર્યું હતું. પોલીસની જવાબી કાર્યવાહીમાં આરોપી મકાનમાલિક પણ માર્યો ગયો હતો. હાલ પોલીસ આ ઘટનાની તપાસ કરી રહી છે અને આ માટે નિષ્ણાતોની ટીમ બનાવવામાં આવી છે.