આતંકીઓ પાસેથી પાંચ AK-47 રાઈફલ, 7 પિસ્તોલ, 5 AK-47 મેગેઝીન, 24 UBGL ગ્રેનેડ, 38 ચાઈનીઝ ગ્રેનેડ, સાત પાકિસ્તાની ગ્રેનેડ અને 35,000 પાકિસ્તાની ચલણ મળી આવ્યા છે.
જમ્મુ -કાશ્મીરમાં (Jammu-Kashmir) ઉરી નજીક રામપુર સેક્ટરમાં ગુરુવારે ભારતીય સુરક્ષા દળોએ મોટી સફળતા મેળવી છે. અહીં સુરક્ષા દળોએ ત્રણ આતંકવાદીઓને ઠાર માર્યા અને મોટા પ્રમાણમાં હથિયારો જપ્ત કર્યા છે. સેનાના અધિકારીઓનું કહેવું છે કે આ આતંકવાદીઓ તાજેતરમાં પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)થી ભારતીય સરહદમાં પ્રવેશ્યા હતા.
લેફ્ટનન્ટ જનરલ ડીપી પાંડેએ જણાવ્યું હતું કે ગુરુવારે સુરક્ષા દળોએ હથલંગાના જંગલોમાં ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો હતો. માર્યા ગયેલા આતંકીઓમાંથી એક પાકિસ્તાની છે, બાકીનાની શોધ કરવામાં આવી રહી છે. આતંકીઓ પાસેથી પાંચ AK-47 રાઈફલ, સાત પિસ્તોલ, 5 AK-47 મેગેઝીન, 24 UBGL ગ્રેનેડ, 38 ચાઈનીઝ ગ્રેનેડ, સાત પાકિસ્તાની ગ્રેનેડ અને 35000 પાકિસ્તાની ચલણ મળી આવ્યા છે.
સેનાના ચિનાર કોર્પ્સ હેડક્વાર્ટરમાં મીડિયાને માહિતી આપતા જનરલ ઓફિસર કમાન્ડિંગ લેફ્ટનન્ટ જનરલ ડીપી પાંડેએ જણાવ્યું હતું કે નિયંત્રણ રેખાની બીજી બાજુથી તાજેતરમાં ઘૂસણખોરીની પ્રવૃત્તિઓ વધી છે. જોકે વર્ષની શરૂઆતથી કોઈ ઘૂસણખોરી થઈ નથી. લેફ્ટનન્ટ જનરલ પાંડેએ કહ્યું કે આ ઘૂસણખોરીનો પ્રયાસ ગુરુવારે નિષ્ફળ કરવામાં આવ્યો હતો અને તે 18-19 સપ્ટેમ્બરના અગાઉના પ્રયાસથી અલગ છે.
નિયંત્રણ રેખા પર શંકાસ્પદ પ્રવૃત્તિઓની ખબર પડ્યા બાદ સેના દ્વારા ઉરી સેક્ટરમાં શરૂ કરાયેલ સર્ચ ઓપરેશન ઘણા દિવસો સુધી ચાલુ છે. જોકે ટેલિફોન અને ઈન્ટરનેટ સેવાઓ બંધ કરવામાં આવી છે. અધિકારીઓએ જણાવ્યું કે ઓપરેશન 18 સપ્ટેમ્બરની રાત્રે શરૂ કરવામાં આવ્યું હતું અને સાવચેતીના પગલા તરીકે સોમવારે સરહદી નગરમાં તમામ ટેલિકોમ સુવિધાઓ સ્થગિત કરી દેવામાં આવી હતી.
સંરક્ષણ પ્રવક્તાએ અહીં જણાવ્યું હતું કે સર્ચ ઓપરેશન ચાલુ છે, પરંતુ તેમણે વધુ વિગતો આપવાનો ઈનકાર કર્યો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે નિયંત્રણ રેખા પર વાડ નજીક દુશ્મન સાથે ‘પ્રારંભિક મુકાબલામાં’ એક સૈનિક ઘાયલ થયો હતો. જેથી આતંકીઓની તલાશી કરવા માટે મોટાપાયે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.
જેથી ઘૂસણખોરો અંતરિયાળ પ્રદેશમાં પ્રવેશ ન કરી શકે. જે વિસ્તારમાં શંકાસ્પદ હિલચાલ જોવા મળી હતી, તે વિસ્તાર ગોહલાન નજીક આવે છે, તે જ વિસ્તાર જ્યાંથી આતંકવાદીઓએ સપ્ટેમ્બર 2016માં ઉરી બ્રિગેડ પર હુમલો કર્યો હતો.માહિતી અનુસાર તેઓ અફઘાન આતંકવાદી છે અને સરળતાથી ભારતીય લોકો સાથે ભળી શકતા નથી. આ સ્થિતિમાં સુરક્ષા દળો તેમની શોધમાં લાગેલા છે. શંકાસ્પદ સ્થળો પર દરોડા પાડવામાં આવી રહ્યા છે અને લોકોની શંકા વિના પૂછપરછ કરવામાં આવી રહી છે.