ન્યુ સાઉથ વેલ્સ રોડ રૂલ્સ પ્રમાણે ડ્રોપિંગ કે પીકિંગ માટે પાર્ક કરી શકાય, પરંતુ લાંબા સમય માટે પાર્ક કરવું ગેરકાયદે, હાલ મુદ્દો ઓનલાઇન ચર્ચાનો વિષય બન્યો

સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બનેલી પાર્કિંગ પેનલ્ટીની રિસિપ્ટ.

સિડનીમાં કોમર્સિયલ કે બિઝી રહેતા વિસ્તારોમાં પાર્કિંગ એ દુઃખદાયક પ્રશ્ન છે. ઘણી વાર એ જ કારણોસર પાર્કિંગ પેનલ્ટી વારંવાર થતી રહેતી હોય છે. પરંતુ કોઇએ ક્યારેય વિચાર્યું પણ નહીં હોય કે ઘરની બહાર પોતાના જ ડ્રાઇવ વેમાં પાર્કિંગ કરેલી કાર પણ ગેરકાયદે પાર્કિંગ માટે જવાબદાર ગણાશે. તો જવાબ કદાચ ના હશે. પરંતુ સિડનીમાં એક મહિલા સાથે આવું બન્યું છે અને હાલ સોશિયલ મીડિયા પર આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે. કારણ કે મહિલાએ પોતાના ડ્રાઇવ વેમાં કાર પાર્ક કરી હતી અને વવર્લી કાઉન્સિલે તેને 283 ડોલરની પાર્કિંગ પેનલ્ટી ફટકારી છે. સિડનીના બોન્ડી વિસ્તારમાં આ ઘટના હાલ ચર્ચાનો વિષય છે.

NSW રોડના નિયમો અનુસાર: “જ્યાં સુધી તમે મુસાફરોને પીકિંગ કે ડ્રોપિંગ કરી રહ્યા હોવ ત્યાં સુધી તે માન્ય છે પરંતુ તે સિવાય ડ્રાઇવ વે પર તમારું વાહન રોકવું અથવા પાર્ક કરવું જોઈએ નહીં.” મહિલાએ પોતાના બચાવમાં જણાવ્યું હતું કે તેણે ફૂટપાથ પર બે પ્રામ જઇ શકે તેટલી જગ્યા બાકી રાખી હતી કારણ કે ગેરેજમાં તેનું વાહન પાર્ક થઇ શકે તેવી સ્થિતિમાં નહતું. આ કારણોસર તેને ડ્રાઇવ વેમાં ગાડી પાર્ક કરી હતી. આ પ્રકારે પાર્કિંગ તેઓ ઘણાં સમયથી કરતા હતા પરંતુ આ પેનલ્ટી પહેલા ક્યારેય કોઇ ફરિયાદ આવી નહતી.

વેવરલી કાઉન્સિલના પ્રવક્તાએ સ્થાનિક મીડિયાને જણાવ્યું હતું કે : “ઓસ્ટ્રેલિયન માર્ગ નિયમો હેઠળ આ હંમેશા દંડપાત્ર ગુનો રહ્યો છે.” પરંતુ કેટલાકે ટિપ્પણી કરી કે આ અધિનિયમ હંમેશા લાગુ કરવામાં આવતો નથી, જે હંમેશા મૂંઝવણ તરફ દોરી જાય છે.

કાઉન્સિલે પુષ્ટિ કરી હતી કે જ્યારે મોટરચાલકો દ્વારા ફૂટપાથ પર પૂરતી જગ્યાની ખાતરી કરવામાં આવતી હોય છે ત્યારે કાઉન્સિલ કોઇ પેનલ્ટી આપતું નથી પરંતુ આ કેસમાં ઉમેર્યું હતું કે સંખ્યાબંધ ફરિયાદો મળ્યા પછી પગલાં લેવામાં આવ્યા હતા. “કાઉન્સિલે અગાઉ આ પ્રથા સ્વીકારી છે જ્યાં સુધી વાહનો ફૂટપાથ પર અતિક્રમણ/અવરોધ ન કરે.”

“તાજેતરના રહેવાસીઓ અને NSW ફાયર એન્ડ રેસ્ક્યુ તરફથી ઉચ્ચ સ્તરની ફરિયાદોને કારણે, આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી રહી છે.”