Compensation For Covid Deaths: નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ તેને લઈને ગાઇડલાઇન જાહેર કરી છે. દરેક મોત માટે પરિવારને 50 હજાર રૂપિયા મળશે.

નવી દિલ્હીઃ Compensation For Covid Deaths: કોરોનાથી થયેલા મોત માટે વળતર નક્કી કરવામાં આવ્યું છે. નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (NDMA) એ સુપ્રીમ કોર્ટને આ વાતની જાણકારી આપી છે. દરેક મોત માટે પરિવારને 50 હજારનું વળતર આપવામાં આવશે. આ પૈસા રાજ્યના ડિઝાસ્ટર મેનેજમેન્ટ કોષમાંથી મળશે. હકીકતમાં કોર્ટે ન્યૂનતમ વળતર પર ગાઇડલાઇન માટે કહ્યું હતું.   30 જૂને આપેલા આદેશમાં સુપ્રીમ કોર્ટે દેશમાં કોરોનાથી થયેલા મોત માટે વળતર આપવાનું કહ્યું હતું. કોર્ટે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીને કહ્યુ હતુ કે તે છ સપ્તાહમાં વળતરની રકમ નક્કી કરી રાજ્યોને જાણ કરે. કોર્ટનું માનવું છે કે આ પ્રકારની આપદામાં લોકોને વળતર આપવું સરકારનું કર્તવ્ય છે. પરંતુ વળતરની રકમ કેટલી હશે, તે નિર્ણય કોર્ટે સરકાર પર છોડી દીધો હતો.

કેસના અરજદારોએ દલીલ કરી હતી કે મૃતકોને અંતિમ સંસ્કાર માટે સીધા હોસ્પિટલમાંથી લઈ જવામાં આવી રહ્યા છે. ન તો તેનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે, ન તો ડેથ સર્ટિફિકેટમાં લખ્યું છે કે મૃત્યુનું કારણ કોરોના હતું. આવી સ્થિતિમાં જો વળતર યોજના શરૂ કરવામાં આવે તો પણ લોકો તેનો લાભ લઈ શકશે નહીં. આના પર કોર્ટે કહ્યું હતું કે કોરોનાથી મૃત્યુ પામેલા લોકોના મૃત્યુ પ્રમાણપત્રમાં મૃત્યુનું કારણ સ્પષ્ટ લખવું જોઈએ. પ્રમાણપત્ર મેળવવાની પ્રક્રિયા સરળ બનાવવી જોઈએ. જો પરિવારને અગાઉ આપવામાં આવેલા પ્રમાણપત્ર સામે કોઈ ફરિયાદ હોય તો તેનો ઉકેલ લાવવો જોઈએ.

સુપ્રીમ કોર્ટનું કડક વલણ
વિવિધ અરજીઓની સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટ સમક્ષ સરકારે કહ્યું હતું કે તે મૃતકોના સગાને 4 લાખ રૂપિયાનું વળતર આપી શકે નહીં. સરકારની દલીલ સાથે સુપ્રીમ કોર્ટે પણ સહમતી દર્શાવી હતી. તેમણે એમ પણ કહ્યું કે તેમણે પોતે પણ આવી વ્યવસ્થા કરવી જોઈએ જેથી મૃતકના પરિવારના સભ્યોને સન્માનજનક રકમ મળવી જોઈએ.