વર્ષ 2021થી અર્જુન મુંબઇ ઇન્ડિયન્સના બેઝ કેમ્પમાં છે પરંતુ આખરે IPL 2023માં મળી તક

સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકરને આખરે આજે IPLમાં પદાર્પણ કરવાની તક મળી. મુંબઈ ઈન્ડિયન્સની ટીમે અર્જુનને આઈપીએલ 2023માં કોલકાતા નાઈટ રાઈડર્સ સામે ડેબ્યૂ કરવાની તક આપી છે. અર્જુને તેની પ્રથમ IPL મેચ 23 વર્ષની ઉંમરે રમી છે અને કોલકતા નાઇટ રાઇડર્સ સામેની મેચમાં તેને ઓપનિંગ બોલર તરીકે જ સીધી તક નવોદિત કેપ્ટન સૂર્યકુમાર યાદવે આપી હતી.

મુંબઈ ઈન્ડિયન્સે અર્જુનને આઈપીએલ 2021થી પોતાના કેમ્પમાં રાખ્યો છે, પરંતુ તેને રમવાની તક આપી નથી. તે સમયે મુંબઈએ 20 લાખ રૂપિયાની બેઝ પ્રાઈઝ આપીને અર્જુનને પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. આ સિઝનમાં મુંબઈએ 30 લાખ રૂપિયા આપીને અર્જુનને પોતાની ટીમમાં સામેલ કર્યો છે અને હવે 16 એપ્રિલ 2023ના રોજ અર્જુને આખરે આઈપીએલમાં ડેબ્યૂ કર્યું છે. અર્જુન આજે ટોસ પહેલા તેના પિતા સચિન પાસેથી ઘણી સલાહ લેતો જોવા મળ્યો હતો, જેની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ પણ થઈ રહી છે.

એક નજર અર્જુન તેંડુલકરના કરિયર પર…
ભારતના મહાન ક્રિકેટર સચિન તેંડુલકરના પુત્ર અર્જુનનો જન્મ 24 સપ્ટેમ્બર, 1999ના રોજ થયો હતો. અર્જુન ડાબા હાથનો મધ્યમ ઝડપી બોલર છે, અને તે ડાબોડી બેટ્સમેન પણ છે. અર્જુનની હાઇટ 6.3 ઇંચ છે. અર્જુને તેનું સ્કૂલિંગ ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલમાંથી કર્યું છે, જે મુંબઈના બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સમાં આવેલી છે. અર્જુને પહેલીવાર પુણેમાં 22 જાન્યુઆરી 2010ના રોજ અંડર-13 ટૂર્નામેન્ટ રમી હતી.

અર્જુને 8 વર્ષની ઉંમરથી ક્રિકેટની ટ્રેનિંગ લેવાનું શરૂ કર્યું હતું. અર્જુને તેના એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે તેને ફાસ્ટ બોલિંગ ખૂબ જ પસંદ છે. તેણે એ પણ ખુલાસો કર્યો કે તેને વસીમ અકરમ અને મિશેલ સ્ટાર્કની બોલિંગ પસંદ છે અને તે તેમના જેવા બનવા માંગે છે.