સનરાઇઝર્સે 20 ઓવરમાં ચાર વિકેટે 228 રન , કોલકાતા નાઈટ રાઈડર્સ સાત વિકેટે 205 રન

સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમે IPLની 16મી સિઝનમાં ખરાબ શરૂઆત બાદ સતત બીજી જીત મેળવી છે. તેણે પંજાબ કિંગ્સ પછી કોલકાતા નાઈટ રાઈડર્સને હરાવ્યું. હૈદરાબાદ અને કોલકાતાની ટીમો શુક્રવારે (14 એપ્રિલ) ઈડન ગાર્ડન્સ ખાતે સામસામે આવી હતી. આ મેચમાં યજમાન ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો. એડન માર્કરામની કેપ્ટન્સીમાં હૈદરાબાદે 23 રને જીત મેળવી હતી.
કોલકાતાના કેપ્ટન નીતિશ રાણાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. સનરાઇઝર્સે 20 ઓવરમાં ચાર વિકેટે 228 રન બનાવ્યા હતા. જવાબમાં કોલકાતા નાઈટ રાઈડર્સ 20 ઓવરમાં સાત વિકેટે 205 રન જ બનાવી શકી હતી.
આ વખતે છેલ્લી ઓવરમાં ચમત્કાર ન થયો
કોલકાતાને છેલ્લી ઓવરમાં 32 રનની જરૂર હતી. રિંકુ સિંહ અને શાર્દુલ ઠાકુર ક્રિઝ પર હતા. રિંકુએ ગુજરાત સામે છેલ્લી ઓવરમાં 29 રનનો પીછો કર્યો હતો, પરંતુ આ વખતે ચમત્કાર થયો ન હતો. ઉમેશ યાદવ છેલ્લી ઓવરના પહેલા બોલ પર આઉટ થયો હતો. જે બાદ માત્ર આઠ રન જ બન્યા હતા. રિંકુએ સિક્સર ફટકારી પણ તે પૂરતું ન હતું.
બ્રુકે IPLની 16મી સિઝનની પ્રથમ સદી ફટકારી
સનરાઇઝર્સના હેરી બ્રુકે 56 બોલમાં અણનમ 100 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઇનિંગમાં 12 ચોગ્ગા અને ત્રણ છગ્ગા ફટકાર્યા હતા. IPLની 16મી સિઝનની આ પહેલી સદી છે. કેપ્ટન એડન માર્કરામે 26 બોલમાં 50 રનની ઇનિંગ રમી હતી. અભિષેક શર્માએ 17 બોલમાં 32 અને હેનરિક ક્લાસને છ બોલમાં અણનમ 16 રન બનાવ્યા હતા. મયંક અગ્રવાલ અને રાહુલ ત્રિપાઠી નવ-નવ રન બનાવીને આઉટ થયા હતા.
રિંકુ અને નીતીશે અડધી સદી ફટકારી હતી, પરંતુ જીત મેળવી શક્યા ન હતા
રિંકુ સિંહ 31 બોલમાં 58 રન બનાવીને અણનમ રહ્યો હતો. તેણે પોતાની ઇનિંગમાં ચાર ચોગ્ગા અને ચાર છગ્ગા ફટકાર્યા હતા. કેપ્ટન નીતિશ રાણાએ 41 બોલમાં 75 રનની ઇનિંગ રમી હતી. એન જગદીશને 21 બોલમાં 36 રન બનાવ્યા હતા. શાર્દુલ ઠાકુરે 12 અને વેંકટેશ અય્યરે 10 રનનું યોગદાન આપ્યું હતું.
સનરાઇઝર્સની ટીમ સાતમા સ્થાને પહોંચી
આ જીત સાથે સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમ પોઈન્ટ ટેબલમાં સાતમા સ્થાને પહોંચી ગઈ છે. ચાર મેચમાં બે જીત બાદ તેના ચાર પોઈન્ટ છે. હૈદરાબાદને પ્રથમ બે મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. આ હાર છતાં કોલકાતાની ટીમ પોઈન્ટ ટેબલમાં ટોપ ચારમાં યથાવત છે. ચાર મેચમાં બે જીત અને બે હાર બાદ તેઓ ચોથા સ્થાને છે. તેના ચાર અંક છે.