કોલકતા નાઇટ રાઇડર્સે 20 લાખમાં આર્ય દેસાઇને સાઇન કર્યો
ગુજરાતના ઓલરાઉન્ડર આર્ય દેસાઇની આઇપીએલની ટિકિટ પાક્કી થઇ ગઇ છે કારણ કે કોલકતા નાઇટ રાઇડર્સે ગુજરાતના ડાબોડી બેટ્સમેનને 20 લાખમાં સાઇન કર્યો છે. ઇન્ડિયન પ્રીમિયર લીગમાં મોટાભાગની ટીમો ચાર-ચાર મેચ રમી ચૂકી છે અને હજુ પણ 10 જેટલી મેચ દરેક ટીમોએ રમવાની બાકી છે ત્યારે કોલકતા નાઇટ રાઇડર્સે આર્ય દેસાઇને સાઇન કર્યો છે. કોલકતા નાઇટ રાઇડર્સે આર્ય દેસાઇને 20 લાખ રૂપિયાની બેઝ પ્રાઇસ પર સાઇન કર્યો છે.
આર્ય દેસાઇ હજુ યુવા બેટ્સમેન છે અને ગુજરાત માટે વિનુ માંકડ સહિત બીસીસીઆઇની ઘણી મેચોમાં શાનદાર પ્રદર્શન કરી ચૂક્યો છે. આર્ય ગુજરાત માટે 3 ફર્સ્ટ ક્લાસ મેચ રમી ચૂક્યો છે. આર્ય દેસાઇ ભૂતપૂર્વ એનસીએ બેટિંગ કોચ અપૂર્વ દેસાઇનો પુત્ર છે. હજુ યુવા વયે જ કોલકતા નાઇટ રાઇડર્સ જેવી ટીમમાં સામેલ કરાતા ન માત્ર આર્ય પરંતુ ગુજરાત ક્રિકેટને પણ આગામી દિવસોમાં ફાયદો થવાનું નિશ્ચિત છે. આર્યએ 3 ફર્સ્ટ ક્લાસ મેચમાં 151 રન નોંધાવ્યા છે. આર્ય દેસાઇ સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિયેશન દ્વારા ગુજરાતને રિપ્રેઝન્ટ કરે છે.
ગુજરાત ક્રિકેટ એસોસિયેશનના ક્રિકેટ ડેવલોપમેન્ટ ઇંચાર્જ હિતેશ મજમુદારે જણાવ્યું હતું કે આર્ય પાર્ટ ટાઇમ ઓફ સ્પિન બોલિંગની શરૂઆત કરી હતી પરંતુ તેનું હાર્ડ વર્ક અને ક્રિકેટ પ્રત્યેના લગાવનું આજે તેને ફળ મળ્યું છે. તેને પોતાની બેટિંગ દ્વારા ઘણાં પૂર્વ ક્રિકેટર પ્રભાવિત થયા હતા ખાસ કરીને વ્હાઇટ બોલ ક્રિકેટમાં તેની બેટિંગ ટેકનિક જબરદસ્ત છે. હું એક કોચ અને જીસીએ તરીકે ખુબ જ ગર્વ અનુભવી રહ્યો છું. અંડર 19 વર્લ્ડ કપમાં જ્યારે આર્ય દેસાઇ ટીમમાં સામેલ ન થયો ત્યારે ઘણો નિરાશ થયો હતો પરંતુ તેણે પોતાની રમતને વધુ પરિપક્વ બનાવી આજે આઇપીએલ ટીમમાં સામેલ થવાનું સપનું સાકાર કર્યું છે. અંડર 25 તથા ગુજરાત તરફથી રણજી ટ્રોફી પણ રમ્યો હતો.
નોંધનીય છે કે આઇપીએલ 2023માં ગુજરાતના ઉર્વિલ પટેલ બાદ હવે આર્ય દેસાઇ પણ સ્પર્ધાત્મક રમતોત્સવમાં સામેલ થયા છે. બંને અંડર 25 કર્નલ સીકે નાયડુમાં ગુજરાતને ચેમ્પિયન બનાવ્યું હતું. બંને ઓપનિંગ પાર્ટનર્સ છે અને હવે બંને એક જ વર્ષમાં આઇપીએલમાં સામેલ થયા છે.